કેમ કોહલીને કહેવાય છે મોર્ડન ડે ક્રિકેટનો કિંગ? આ આંકડાઓ પર એક નજર કરો મળી જશે જવાબ
King Kohli`s Jalwa breaks Sachin Tendulkar`s record, leaves Ponting behind: કેપ્ટનશીપમાંથી દૂર થયા પછી વિરાટ કોહલીએ બુધવારે સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી વન-ડે મેચ રમી. આ મેચમાં વિરાટ કોહલીએ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડને તોડી નાંખ્યો છે. જુઓ અન્ય કયા કયા ખેલાડીઓ આ રેકોર્ડથી કેટલે અંતરે છે. જાણો કેમ કોહલીને કહેવાય છે કિંગ ઓફ ક્રિકેટ.
નવી દિલ્લી: ભારત અને સાઉથ આફ્રિકાના ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ બુધવારે રમાઈ. આ મેચમાં ભારતીય ફેન્સની નજર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહી. જોકે પાર્લમાં થનારી આ મેચમાં વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી નવ રન બનાવતાની સાથે જ વન-ડે ઈન્ટરનેશનલમાં ભારત માટે વિદેશી ધરતી પર સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની ગયો.
અત્યાર સુધી મહાનતમ સચિન તેંડુલકર ભારત તરફથી વિદેશી જમીન પર વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન હતા. સચિને 147 મેચમાં 37.24ની એવરેજથી 5065 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 24 અર્ધસદીનો સમાવેશ થાય છે. જોકે કોહલીએ હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
વિરાટ કોહલી પહેલા નંબરે:
વિરાટ કોહલી આ એલિટ ભારતીય યાદીમાં હવે પહેલા નંબરે છે. કોહલીએ અત્યાર સુધી 108 મેચમાં 58.12ની એવરેજથી 5108 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 20 સદી અને 24 અર્ધસદી નીકળી છે. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની 145 વન-ડે ઈન્ટરનેશનલમાં 4520 રનની સાથે ત્રીજા નંબરે છે.
વિદેશ ધરતી પર ODIમાં ભારત માટે સૌથી વધારે રન:
1. વિરાટ કોહલી - 108 મેચ, 5108 રન
2. સચિન તેંડુલકર - 147 મેચ, 5065 રન
3. એમએસ ધોની - 145 મેચ, 4520 રન
4. રાહુલ દ્રવિડ - 117 મેચ, 3998 રન
5. સૌરવ ગાંગુલી - 100 મેચ, 3468 રન
વિરાટ કોહલીનો સાઉથ આફ્રિકાની ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 17 મેચમાં 87.70ની એવરેજથી 877 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને આટલી જ અર્ધસદી ફટકારી છે.
વિદેશની ધરતી પર સૌથી વધારે રન:
વિરાટ કોહલીએ માત્ર સચિન તેંડુલકર જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. દુનિયામાં વિદેશી ધરતી પર સૌથી વધારે વન-ડે રન બનાવવાના મામલે વિરાટ કોહલી હવે બીજા નંબરે છે, જ્યારે નંબર વન કુમાર સંગાકારા છે.
1. કુમાર સંગાકારા - 5518 રન
2. વિરાટ કોહલી - 5108 રન
3. રિકી પોન્ટિંગ - 5090 રન
4. સચિન તેંડુલકર - 5065 રન
વિરાટ કોહલી માટે ખાસ છે આ સિરીઝ:
વિરાટ કોહલી માટે આ સિરીઝ ઘણી મહત્વની છે. ટી-20, વન-ડે અને ટેસ્ટની કેપ્ટનશીપ છૂટ્યા પછી વિરાટ કોહલી પહેલીવાર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ પછી બીસીસીઆઈએ વિરાટ કોહલીને વન-ડેની કેપ્ટનશીપમાંથી પણ હટાવી દીધો હતો. જ્યારે સાઉથ આફ્રિકામાં મળેલી સિરીઝ હાર પછી વિરાટ કોહલીએ ટેસ્ટની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું હતું. વિરાટ કોહલીના ફેન્સને તેના બેટમાંથી સદીનો ઈંતઝાર છે. કોહલી 25 મહિના કરતાં વધારે સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. એવામાં શાનદાર રેકોર્ડને જોતાં સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં આ દુકાળને ખતમ કરી શકે છે. વિરાટ કોહલીએ છેલ્લાં નવેમ્બર 2019માં સદી ફટકારી હતી.