IPL: સહ માલિક નેસ વાડિયાને કારણે KXIP થઈ શકે છે સસ્પેન્ડ, 3 મેએ થશે ચર્ચા
આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાને જાપાનમાં ડ્રગ્સ રાખવાના મામલામાં બે વર્ષની સજા સંભળાવવાના મામલાની શુક્રવારે મુંબઈમાં યોજાનારી પ્રશાસકોની સમિતિની આગામી બેઠક દરમિયાન ચર્ચામાં આવવાની સંભાવના છે.
નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાને જાપાનમાં ડ્રગ્સ રાખવાના મામલામાં બે વર્ષની સજા સંભળાવવાના મામલાની શુક્રવારે મુંબઈમાં યોજાનારી પ્રશાસકોની સમિતિની આગામી બેઠક દરમિયાન ચર્ચામાં આવવાની સંભાવના છે. વાડિયાને આ વર્ષની શરૂઆતમાં 25 ગ્રામ ગાંજો રાખવા માટે જાપાનના શહેર હોકાઈડોમાં એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સજા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ રાખવામાં આવી છે.
આઈપીએલની આચાર સંહિતા અનુસાર ટીમ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ રમતને બદનામ ન કરી શકે અને એક કલમ એવી પણ છે જે મુજબ ટીમોને સસ્પેન્ડ કરી શકાય છે, જેમ કે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ તે હજુ સ્પષ્ટ થયું નથી કે આ મામલો આઈપીએલની નૈતિક સમિતિ ( જેમાં ત્રણ અધિકારી કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના, કાર્યવાહક સચિન અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરૂધ ચૌધરી) કે નવ નિયુક્ત લોકપાલ ડીકે જૈનને સોંપવામાં આવશે કે નહીં.
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ બુધવારે કહ્યું, 'આ મામલો મુંબઈમાં ત્રણ મેએ યોજાનારી સીઓએની બેઠકમાં ચર્ચામાં આવશે.' તેના પર ચર્ચા કરવાની જરૂર છે કે શું સીઓએ આ મામલાને ન્યાયમૂર્તિ જૈન કે ત્રણ અધિકારીઓને સોંપશે.
તેમણે કહ્યું, 'અમારી પાસે નૈતિક અધિકારીના રૂપમાં સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત જજ છે તો તે યોગ્ય હશે કે આ મામલો તેમને સોંપવામાં આવે.' તે પૂછવા પર કે શું કિંગ્સ ઈલેવનને સસ્પેન્ડ કરી શકાય તો અધિકારીએ કહ્યું, આ બધુ અટકળોની અંદર છે. બીસીસીઆઈના કાયદાકીય ટીમ, લોકપાલ બધાએ એક સાથે આવવાની જરૂર છે.