મોહાલીઃ આઈપીએલ સીઝન 11ની 16મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદને 15 રને હરાવીને તેની વિજય યાત્રાને અટકાવી છે. પંજાબનો આ સીઝનમાં ત્રીજો વિજય છે, જ્યારે હૈદરાબાદને સતત ત્રણ વિજય બાદ પ્રથમ પરાજય મળ્યો છે. 194 રનના લક્ષ્ય સામે હૈદરાબાદ 20 ઓવરમાં 4 વિકેટે 178 રન નોંધાવી શક્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબે આપેલા 194 રનના લક્ષ્યને હાસિલ કરવા ઉતરેલી હૈદરાબાદને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો, જ્યારે ઓપનર શિખર ધવનને ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું. હૈદરાબાદની પ્રથમ વિકેટ ઋૃદ્ધિમાન શહા (6)ના રૂપમાં પડી, ફાસ્ટ બોલર મોહિત શર્માએ તેને બોલ્ડ કરી દીધો હતો. યૂસુફ પઠાણ (19) પણ વધુ ન ટકી શક્યો અને તેને પણ મોહિત શર્માએ પેવેલિયન પરત મોકલ્યો હતો. 


પઠાણના આઉટ થયા બાદ મનીષ પાંડે બેટિંગમાં આવ્યો હતો. તે અને કેપ્ટન વિલિયમસન વચ્ચે ત્રીજી વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન કેને પોતાની અર્ધસદી પુરી કરી હતી. આઈપીએલમાં આ તેની પાંચમી અર્ધસદી હતી. ટીમનો સ્કોર 113 રન પર પહોંચ્યો ત્યારે વિલિયમસન (54) રન બનાવી આઉટ થયો હતો. તેને ટાયે આઉટ કર્યો હતો. ત્યારબાદ દીપક હુડ્ડાએ વધુ એક વખત નિરાશ કર્યા હતા. તે માત્ર (5) ટાયેનો શિકાર બન્યો હતો. 


મનીષ પાંડે આ સીઝનમાં પ્રથમ વખત ફોર્મમાં દેખાયો હતો અને તેણે અર્ધસદી ફટકારી હતી. અંતે શાકિબ અલ હસન 24 અને મનીષ પાંડે 57 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલની સીઝન-11ના 16માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. 


વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે શાનદાર સદી (104 અણનમ, 11 સિક્સ, 1 ફોર)ની મદદથી પંજાપે હૈદરાબાદ સામે 193 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. ગેલે આક્રમક બેટિંગ કરતા 63 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમી. આ લીગમાં પોતાની બીજી મેચ રમી રહેલો ગેલ 11મી સીઝનમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આઈપીએલ ઈતિહાસમાં આ તેની છઠ્ઠી સદી છે. 


ગેલે મેચની 14મી અને રાશિદ ખાનની ત્રીજી ઓવરમાં સતત ચાર ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. ગેલ સિવાય પંજાબના અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. કરૂણ નાયરે 31 રન બનાવ્યા. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે 18-18 રન બનાવ્યા તથા એરોન ફિન્ચ 14 રન બનાવી અણનમ રહ્યો હતો. હૈદરાબાદ માટે રાશિદ, સિદ્ધાર્થ કૌલ અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ ઝડપી હતી.