કોલકત્તાઃ  વિજય શંકર (50*) અને ડેવિડ મિલર (32*) વચ્ચે ચોથી વિકેટની 87 રનની અણનમ ભાગીદારીની મદદથી ગુજરાત ટાઈટન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને તેના ઘરમાં સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે. ગુજરાત ટાઈન્ટસના 12 પોઈન્ટ થઈ ગયા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 3 વિકેટે 180 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ ગુમાવી બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખાસ રહી નહીં. ઓપનિંગ બેટર એન જગદીસન (19) ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો. ત્યારબાદ રહમાનુલ્લાહ ગુરબાઝ (81) એ એક છેડ મજબૂતીથી સંભાળ્યો હતો. તેણે શાર્દુલ ઠાકુર (0) ની સાથે બીજી વિકેટ માટે 24 અને વેંકટેશ અય્યર (11) ની સાથે ત્રીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી. કેપ્ટન નીતિશ રાણા (4) ફ્લોપ રહ્યો હતો. ગુરબાઝે રિંકૂ સિંહ (19) ની સાથે પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. 


ગુરબાઝ 16મી ઓવરમાં અને રિંકૂ 18મી ઓવરમાં આઉટ થયા હતા. ગુરબાઝે 5 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. આંદ્રે રસેલે 19 બોલમાં 34 રન બનાવ્યા. તેણે બે ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. રસેલ ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. ડેવિડ વીઝે 8 રન બનાવી અણનમ રહ્યો. ગુજરાત માટે મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જોશુઆ લિટિલ અને નૂર અહમદે બે-બે વિકેટ લીધી હતી. 


સારી રહી ગુજરાતની શરૂઆત
રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સ તરફતી ઓપનિંગમાં શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 25 બોલમાં 41 રન જોડ્યા. સહા 10 રન બનાવી પાંચમી ઓવરમાં રસેલનો શિકાર બન્યો હતો. ગુજરાતે પાવરપ્લેમાં 1 વિકેટના નુકસાન પર 52 રન જોડ્યા હતા. 


ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલ હાર્દિક પંડ્યા આ મેચમાં લયમાં જોવા મળ્યો. પરંતુ તે લાંબો સમય સુધી ટકી શક્યો નહીં અને 2 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 26 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ પણ 49 રન બનાવી આઉટ થયો હતો. ગિલે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. વિજય શંકરે 24 બોલમાં બે ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી અણનમ 51 રન ફટકાર્યા હતા. જ્યારે ડેવિડ મિલર 32 રન બનાવી અણનમ રહ્યો હતો.