નોટિંઘમ ટેસ્ટમાં કે.એલ રાહુલ અને રિષભ પંતે બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
વિરાટ સેના ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમ ટેસ્ટમાં જીતની નજીક છે. તેને ટેસ્ટ મેચના પાંચમાં દિવસે માત્ર એક વિકેટની જરૂર છે. આ જીતની સાથે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડની લીડ ઓછી કરીને 1-2 કરી દેશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ટ્રેન્ટબ્રિજ ટેસ્ટમાં જીત મેળવવાથી એક વિકેટ દૂર છે. 521 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 311 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમને મેચ જીતવા માટે હજુ 210 રનની જરૂર છે અને એક વિકેટ બાકી છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઈંગ્લેન્ડની અત્યાર સુધી 19 વિકેટ ઝડપી લીધી છે. શાનદાર આંકડો તે છે કે ફીલ્ડર કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંતે તેમાં 14 વિકેટ ઝડપવામાં પોતાનો ફાળો આપ્યો છે.
નોંધનીય છે કે રાહુલે 7 કેચ ઝડપ્યા અને વિકેટ પાછળ પંતે પણ આટલા શિકાર કર્યા. રાહુલ અને પંતનું કારનામુ રેકોર્ડ બુકમાં સામેલ થઈ ગયું છે. ટેસ્ટ ક્રિકેટમાં કોઇપણ ટીમના બે ખેલાડીઓ દ્વારા એક જ મેચમાં 7-7 કેચ ઝડપવાનો આ વર્લ્ડ રેકોર્ડ છે.
બીજીતરફ ઈંગ્લેન્ડમાં 518 ટેસ્ટ મેચોમાં પ્રથમવાર 7 કેચ ઝડપનાર રાહુલ પ્રથમ ફિલ્ડર બની ગયો છે. ટેસ્ટ મેચમાં પર્દાપણ કરી રહેલો પંત 7 શિકાર કરનારો પ્રથમ ભારતીય વિકેટકીપર છે. નરેન તમ્હાણે, કિરણ મોરે, નયન મોંગિયા, નમન ઓઝાએ પોતાના પ્રથમ ટેસ્ટમાં પાંચ-પાંચ શિકાર કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરતા સૌથી પહેલા 7 શિકાર કરવાની સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર ગિલ લૈંગલેએ 1951માં મેળવી હતી. તેણે બ્રિસ્બેન ટેસ્ટમાં વિન્ડીઝ વિરુદ્ધ 7 શિકાર (3 કેસ, 4 સ્ટંપ) કર્યા હતા.
આ યાદીમાં વિકેટકીપર એર્ટી ડિક-ન્યૂઝીલેન્ડ, એલન નોટ-ઈંગ્લેન્ડ, સલીમ યૂસુફ-પાકિસ્તાન, ચમારા દુનુસિંઘે-શ્રીલંકા અને પીટર નેવિલ-ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે. જેણે પોતાના પર્દાપણ ટેસ્ટમાં સાત શિકાર કર્યા હતા.
વિકેટકીપર બ્રાયન ટેબર (ઓસ્ટ્રેલિયાસ 1966) અને ક્રિસ રીડના નામે (ઈંગ્લેન્ડ 1999) પોતાના પર્દાપણ ટેસ્ટમાં સર્વાધિક 8-8 શિકાર કરવાનો રેકોર્ડ છે.