દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સોમવારે જાહેર થયેલા આઈસીસીના વનડે રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાને યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી 884 પોઈન્ટની સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે, તો વનડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા 842 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. ટોપ-10માં સામેલ અન્ય એક ભારતીય શિખર ધવન 802 પોઈન્ટની સાથે રેન્કિંગમાં પાંચમાં સ્થાને છે. 


બોલરોમાં ડેથ ઓવરોનો નિષ્ણાંત જસપ્રીત બુમરાહ 797 પોઈન્ટની સાથે પ્રથમ તો સ્પિનર કુલદીપ યાદવ 700 પોઈન્ટની સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. 


બીજા સ્થાને અફગાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન (788 પોઈન્ટ) છે. યુજવેન્દ્ર ચહલ ટોપ-10માં સામેલ થવાની નજીક છે. તેની રેન્કિંગ 11 છે. 


ભારતીય ટીમ રેન્કિંગમાં 122 પોઈન્ટથી સાથે ઈંગ્લેન્ડ (127 પોઈન્ટ) બાદ બીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડે નંબર-1નું સ્થાન બચાવવા માટે 10 ઓક્ટોબરથી શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે શ્રેણી જીતવી પડશે. 


શ્રીલંકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણી ગુમાવે તેવી સ્થિતિમાં ભારતની પાસે નંબર વન બનવાની તક હશે, જે 21 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચોની વનડે શ્રેણી રમશે. બંન્ને ટીમો જો આગામી શ્રેણીમાં પોતાની તમામ મેચ જીતે તો તેને એક-એક પોઈન્ટનો ફાયદો થશે. 


બાંગ્લાદેશની પાસે પણ પોતાના ખાતામાં એક પોઈન્ટ જોડવાની તક હશે. તેની ટીમ 20 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચોની વનડે શ્રેણી રમશે.