નવી દિલ્હીઃ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને મીડિયમ ફાસ્ટ બોલર દીપક ચાહરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મંગળવારથી મેનચેસ્ટરમાં શરૂ થનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી માટે ઈજાગ્રસ્ત વોશિંગટન સુંદર અને જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કૃણાલ અને દીપકને માત્ર ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે 12 જુલાઈથી નોટિંઘમમાં શરૂ થનારી ત્રણ વનડે મેચની શ્રેણી માટે સુંદરની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃણાલ અને તેના ભાઈ હાર્દિક ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ભાઈઓની ત્રીજી જોડી હશે. આ પહેલા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ, પઠાણ બંધુ ઈરફાન અને યૂસુફ ભારત તરફથી રમી ચૂક્યા છે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ નિવેદનમાં કહ્યું, અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી સીમીત ઓવરની શ્રેણી માટે વોશિંગટન સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યાને ભારતીય ટી20 ટીમમાં અને અક્ષરને વનડે ટીમ માટે પસંદ કર્યા છે. 


સુંદર ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી આઉટ થઈ ગયો છે. તેને ડબ્લિનમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહના ડાબા અંગુઠામાં ઈજા થઈ છે અને તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 શ્રેણીમાં રમશે નહીં. બુમરાહ આયર્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20માં ઈજાગ્રસ્ત થયો હતો. 


આ વચ્ચે પસંદગીકારોએ ઋૃષભ પંતને ચાર દિવસીય મેચો માટે ભારતીય એ ટીમમાં સામેલ કર્યો છે. તે અત્યારે સીમિત ઓવરોના મેચ માટે ટીમમાં છે. 


ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 શ્રેણી માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમએસ ધોની, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ. 



ચાર દિવસીય મેચો માટે ભારતીય એ ટીમઃ કરૂણ નાયર (કેપ્ટન), આર સમર્થ, મયંક અગ્રવાલ, અભિમન્યુ ઈશ્વરન, પૃથ્વી શો, હનુમા વિહારી, અંકિત બાવને, વિજય શંકર, કેએસ ભરત, જયંત યાદવ, શાહબાજ નદીમ, અંકિત રાજપૂત, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, રજનીશ ગુરબાની, ઋૃષભ પંત.