ICCએ વેસ્ટ ઈન્ડિઝના કોચ લોને 2 વનડે માટે કર્યા સસ્પેન્ડ, આ છે કારણ
લોને ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં ક્રમશઃ 21 અને 24 ઓક્ટોબરે રમાનારી મેચોમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હૈદરાબાદઃ વેસ્ટ ઈન્ડિઝના કોચ સ્ટુઅર્ટ લોને મેચ અધિકારીઓ માટે અયોગ્ય ટિપ્પણી કરવાને કારણે ભારત વિરુદ્ધ પ્રથમ બે વનડે મેચોમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આઈસીસીએ મંગળવારે જાહેર કરેલા નિદેવનમાં કહ્યું કે, લો પર મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ નવા ઉલ્લંઘનને કારણે લોના ખાતામાં છેલ્લા 24 મહિનામાં કુલ કુલ ચાર અયોગ્યતા અંક (ડિમેરિટ પોઈન્ટ) જોડાઈ ગયા છે.
આ કારણે તેને ભારત વિરુદ્ધ ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં ક્રમશઃ 21 અને 24 ઓક્ટોબરે રમાનારી મેચોમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે ઘટનાને કારણે કાર્યવાહી થઈ તે હૈદરાબાદમાં બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બની હતી. આઈસીસીએ કહ્યું કે, ઓપનિંગ બેટ્સમેન કાયરન પોવેલ આઉટ થયા બાદ લો ટીવી અમ્પાયરના રૂમમં ગયા અને ત્યાં અયોગ્ય ટિપ્પણી કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું કે, ત્યારબાદ તે ચોથા અમ્પાયરની નજીક ગયા અને તેમણે ખેલાડીઓની હાજરીમાં તેમના માટે અયોગ્ય ટિપ્પણી કરી. લોને આઈસીસી આચાર સંહિતાની કલમ 2.7ના લેવલ બેના ભંગના દોષી ગણવામાં આવ્યા છે. આ ખેલાડી, ખેલાડીઓના સહયોગી સ્ટાફ, મેચ અધિકારીઓ કે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લઈ રહેલી ટીમની જાહેર આલોચના કે અયોગ્ય ટિપ્પણી કરવા સાથે જોડાયેલ છે.
આ પહેલા 2017માં પાકિસ્તાન વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટના અંતિમ દિવસે લો પર મેચ ફીના 25 ટકાનો દંડ લાગ્યો હતો અને તેને એક અયોગ્યતા પોઈન્ટ મળ્યો હતો. મેદાની અમ્પાયર બ્રૂસ ઓક્સેનફોર્ડ અને ઇયાન ગાઉલ્ડ, ત્રીજા અમ્પાયર નાઇજલ લોંગ અને ચોથા અમ્પાયર નિતિન મેમને તેમના પર આરોપ લગાવ્યા હતા.