નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારત માટે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી ચુકેલા અશ્વિને આ ફોર્મેટમાં 500થી વધુ વિકેટ ઝડપી છે. તેવામાં 100મી ટેસ્ટના ખાસ અવસર પર ક્રિકેટ જગત અશ્વિનની આ ઐતિહાસિક ક્ષણનો જશ્ન મનાવવાની તૈયારીમાં છે, પરંતુ પૂર્વ ભારતીય સ્પિનર શિવરામકૃષ્ણન અશ્વિનના વ્યવહારથી ખુશ નથી. શિવરામાકૃષ્ણને સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે અશ્વિને તેનો ફોન કાપી નાખ્યો અને તેણે 100મી ટેસ્ટની શુભેચ્છા સંદેશનો કોઈ જવાબ આપ્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ભારતીય સ્પિનરે સોશિયલ મીડિયા પર લખ્યું- મેં તેને 100મી ટેસ્ટ માટે શુભકામનાઓ આપવા કેટલીકવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો. તેણે મારો ફોન કાપી નાખ્યો. તેને એક સંદેશ મોકલ્યો, કોઈ જવાબ મળ્યો નહીં. આ સન્માન અમને પૂર્વ ક્રિકેટરોને મળે છે. 



ટેસ્ટમાં અશ્વિનના નામે 507 વિકેટ
ભારત અને ઈંગ્લેન્ડ ગુરૂવારથી ધર્મશાલામાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાં આમને-સામને હશે, જે અશ્વિનની 100મી ટેસ્ટ હશે. અત્યાર સુધી અશ્વિને 99 ટેસ્ટમાં 23.91ની એવરેજથી 507 વિકેટ લીધી છે, જેમાં 35 વખત પાંચ વિકેટ પણ સામેલ છે, જેમાં 7/59 નું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન પણ સામેલ છે. આ સિવાય અશ્વિન બેટથી પણ કમાલ કરી ચૂક્યો છે. અશ્વિને ટેસ્ટમાં 26.14ની એવરેજથી 3309 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 14 અડધી સદી સામેલ છે. આ કારણ છે કે વર્તમાન સમયમાં અશ્વિન એક સફળ ઓલરાઉન્ડરોમાંથી એક છે. 


સિરીઝમાં 3-1થી આગળ છે ભારત
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 3-1ની લીડ મેળવી ચૂકી છે. સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વાપસી કરી સતત ત્રણ મેચ જીતી છે. ભારતીય ટીમની નજર હવે ધર્મશાલા ટેસ્ટ જીતીને સિરીઝ 4-1થી કબજે કરવા પર છે.