ENG vs IND: લીડ્સમાં યજમાનનો દબદબો, ભારત 78 રનમાં ઓલઆઉટ, ઈંગ્લેન્ડ 120/0
લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રથમ દિવસે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. પહેલા ઈંગ્લેન્ડના બોલરોનો દબદબો જોવા મળ્યો ત્યારબાદ બંને ઓપનરોએ અડધી સદી ફટકારી છે.
હેડિંગ્લેઃ હેડિંગ્લેના લીડ્સમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચનો પ્રારંભ થયો છે. મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના માત્ર બે બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા હતા. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડે વિના વિકેટે 120 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડે 42 રનની લીડ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડના ઓપનરોની દમદાર શરૂઆત
ઈંગ્લેન્ડે આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમીદે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. દિવસના અંતે રોરી બર્ન્સ 52 અને હમીદ 58 રન બનાવી ક્રીઝ પર છે. બંનેએ 120 રનની ભાગીદારી કરી છે. ભારતના કોઈ બોલર સફળતા મેળવી શક્યા નહીં.
જેમ્સ એન્ડરસન સામે ભારતીય બેટ્સમેનો ફેલ
લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત મેળવી લીડ્સ પહોંચેલી ભારતીય ટીમ પાસે મોટી આશાઓ હતી. પરંતુ અનુભવી બોલર જેમ્સ એન્ડરસનની રણનીતિ સામે ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યાં. પ્રથમ ઓવરમાં જ કેએલ રાહુલ માત્ર શૂન્ય રન બનાવી વિકેટની પાછળ જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ભારતે 1 રને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી.
ટીમ ઈન્ડિયા આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા એન્ડરસને ચેતેશ્વર પૂજારા (1)ને પણ બટલરના હાથે કેચઆઉટ કરાવી ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો આપ્યો હતો. હવે બધી આશા કેપ્ટન કોહલી અને રોહિત શર્મા પાસે હતી. જેમ્સ એન્ડરસને ફરી વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોહલી માત્ર 7 રન બનાવી વિકેટની પાછળ કેચઆઉટ થયો હતો. આમ ભારતે માત્ર 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
ત્યારબાદ રહાણે અને રોહિતે ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. બંને સેટ થઈ ગયા તેમ લાગી રહ્યું હતું, પરંતુ લંચના બે બોલ પહેલા રહાણે (18) ને રોબિન્સને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. આમ પ્રથમ સત્ર ઈંગ્લેન્ડના નામે રહ્યું હતું. લંચ બાદ પણ ઈંગ્લેન્ડના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. રિષભ પંત 2 રન બનાવી રોબિન્સનનો શિકાર કર્યો હતો. ટીમે 58 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી.
રોહિત શર્મા 105 બોલનો સામનો કરી 19 રન બનાવી ક્રિસ ઓવરટનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમી 0 રન બનાવી ઓવરટનની ઓવરમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા (4) અને બુમરાહ (0)ને સેમ કરને એક ઓવરમાં આઉટ કરી ભારતની આશા પર પાણી ફેરવી દીધું હતું. અંતમાં સિરાજ 3 રન બનાવી ઓવરટનનો શિકાર બન્યો હતો.
ઈંગ્લેન્ડને દમદાર બોલિંગ
ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 8 ઓવરમાં 6 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ક્રિગ ઓવરટને 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. સેમ કરન અને ઓલી રોબિન્સનને પણ બે-બે વિકેટ મળી હતી.
9 મહિનામાં ભારત બીજીવાર 100થી ઓછા રનમાં ઓલઆઉટ
લીડ્સમાં ભારતના બે બેટ્સમેનો માત્ર ડબલ આંકડામાં રન બનાવી શક્યા હતા. રોહિત શર્માએ 19 અને રહાણેએ 18 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા. ભારતીય ટીમ છેલ્લા 9 મહિનામાં બીજીવાર 100થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં માત્ર 36 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube