FIFA વર્લ્ડ કપ: આર્જેન્ટીના બહાર થતા શું નિવૃતી લેશે લિયોનેલ મેસી?
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે આર્જેન્ટીનાનો 4-3થી પરાજય થયો હતો.
સેન્ટ પીટર્સબર્ગઃ ફ્રાન્સના ચાર ગોલે લિયોનેલ મેસીના ચોથા વિશ્વ કપ અભિયાનનો અંત કર્યો અને સંભવતઃ આ નિરાશાની સાથે તેના આંતરરાષ્ટ્રીય કેરિયરનો પણ અંત થઈ શકે છે. નાઇઝીરિયા વિરુદ્ધ મેસીએ વિશ્વ કપ 2018નો એકમાત્ર ગોલ કરીને ટીમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી અને કજાનમાં આર્જેન્ટીનાના હજારો સમર્થકો મેસીની આગેવાનીમાં ટીમની વધુ એક જીત જોવા માટે આવ્યા હતા.
મેસીએ અંતિમ 16ના મુકાબલામાં બે ગોલમાં મદદ કરીને પોતાની ભૂમિકા નિભાવી, પરંતુ આર્જેન્ટીનાનો ડિફેન્સ ફ્રાન્સના આક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું, જેણે 19 વર્ષના કિલિયાને એમબાપેના બે ગોલની મદદથી 4-3થી વિજય મેળવ્યો. વિશ્વ કપ બાદ આંતરરાષ્ટ્રીય ફુટબોલ રમતા રહેવાના સંદર્ભમાં મેસીએ રૂસ રવાના થતા પૂર્વે કહ્યું હતું, આ તેના પર નિર્ભર કરે છે કે અમે કેવું પ્રદર્શન કરીએ છીએ, તેનો અંત કઈ રીતે થાય છે.
4 વિશ્વકપમાં સૌથી ખરાબ પ્રદર્શન
મેસીના ચાર વિશ્વ કપ અભિયાનમાં આ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ટૂર્નામેન્ટ દરમિયાન 31 વર્ષીય મેસી પાસેથી આશા કરવામાં આવી રહી હતી કે તે ચાર વર્ષ પહેલા ફાઇનલમાં જગ્યા બનાવવાના પ્રદર્શનમાં સુધાર કરતા આ વખતે ટાઇટલ જીતીને 1986ના ડિએગો મારાડોનાના ખિતાબની સમકક્ષ પહોંચશે. બાર્સિલોના તરફથી ક્લબ સ્તર પર શાનદાર પ્રદર્શન કરનારા મેસીને મારાડોનાની તુલનામાં આર્જેન્ટીનામાં ઓછો આંકવામાં આવે છે. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તર પર બંન્નેના રેકોર્ડ છે.
સંન્યાસ લઈને કરી છે વાપસી
બ્રાઝીલમાં 2014ના વિશ્વ કપ ફાઇનલમાં જર્મની વિરુદ્ધ હાર બાદ આર્જેન્ટીનાને 2015 કોપા અમેરિકા અને 2016 કોપા અમેરિકા સેન્ટાનારિયોના ફાઇનલમાં પણ ચિલી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. મેસી 2016ના ફાઇનલમાં પેનલ્ટી કિક ચૂકી ગયો હતો અને ત્યારબાદ ભાવનાઓમાં વહીને આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ બાદમાં આ નિર્ણયને ફેરવી નાખ્યો હતો.