નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે જોરદાર શરૂઆત કર્યા બાદ બાંગ્લાદેશની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં. જોકે, તેના ઓપનર બેટ્સમેન લિટન દાસ અને મેંહદી હસને પોતાની ટીમ માટે જે જોરદાર ઓપનિંગ કર્યું તે યાદગાર બની જશે. બંનેએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 120 રન બનાવ્યા હતા. તેમાં પણ લિટન દાસની ઈનિંગ્સ સૌથી ખાસ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકનારા લિટન દાસે એશિયા કપની ફાઈનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમના સાથીદારોનો ચોંકાવી દીધા હતા. એશિયા કપની ફાઈનલમાં અત્યાર સુધી માત્ર ગણતરીના લોકો જ સદી ફટકારી શક્યા છે. 


આ મેચમાં લિટન દાસે 33 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 18મી ઓવરમાં બંને ઓપનરે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ આંકડામાં પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ લિટન દાસે 87 બોલમાં પોતાની સદી પૂરી કરી. જોકે, આ દરમિયાન બાંગ્લાદેશની બે વિકેટ પડી ગઈ હતી. આ સાથે જ લિટન દાસ એવો પાંચમો બેટ્સમેન બની ગયો જેણે એશિયા કપની ફાઈનલમાં સદી ફટકારી હોય. 


આ અગાઉ લિટન દાસ 18 વન ડે રમ્યો છે, જેમાં તેણે 19ની સરેરાશથી 310 રન બનાવ્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 85 હતો. આ મેચમાં લિટન દાસે 117 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 121 રન બનાવ્યા હતા. 


એશિયા કપમાં ફાઈનલમાં સદી ફટકારનારા ખેલાડી
સનથ જયસૂર્યા    125 રન વિ. ભારત, કરાંચી-2008
ફવાદ આલમ    114 રન વિ. શ્રીલંકા, મીરપુર-2014
એસ થિરિમાને    101 રન વિ. પાકિસ્તાન, મીરપુર-2014
માર્વન અટાપટ્ટુ    100 રન વિ. પાકિસ્તાન, ઢાકા-2000
લિટન દાસ        121 રન વિ. ભારત, દુબઈ-2018


લિટન દાસ ભારત સામે સદી ફટકારનારો ત્રીજો બાંગ્લાદેશી ખેલાડી છે. તેના અગાઉ કરાચી-2008માં આલોક કપાલીએ ટીમ ઈન્ડિયા સામે સદી ફટકારી હતી. આ ઉપરાંત મુશફિકુર રહીમે 2014માં ફતુલ્લામાં સદી ફટકારી હતી.