લોકેશ રાહુલ બન્યો ભારતીય ટીમનો 34મો ટેસ્ટ કેપ્ટન, 2021એ બદલી નાંખ્યું નસીબ
લોકેશ રાહુલ હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનાર 34મો ખેલાડી બન્યો છે.
નવી દિલ્લી: જોહાનીસબર્ગમાં સોમવારથી દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમની બીજી ટેસ્ટની શરૂઆત થઈ. જોકે તેની પહેલાં ભારતીય ફેન્સ માટે એક ખરાબ સમાચાર ઈંતઝાર કરી રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી પીઠમાં ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો અને તેની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો. રાહુલ હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનાર 34મો ખેલાડી બન્યો છે.
લોકેશ રાહુલ માટે 2021નું વર્ષ શાનદાર રહ્યું:
તેની પહેલાં રાહુલને રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા પછી ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલ માટે છેલ્લું એટલે કે 2021નું વર્ષ ઘણું ખાસ રહ્યું. ગયા વર્ષે ટેસ્ટમાં વાપસી કર્યા પછી રાહુલ સતત બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સેન્ચ્યુરિયનમાં જીત પાછળ તેની શાનદાર બેટિંગનો ફાળો હતો. રાહુલે સેન્ચ્યુરિયનમાં રાહુલે ટેસ્ટના પહેલા દાવમાં 123 રનની ઈનિંગ્સ રમી હતી. એક સમયે લોકેશ રાહુલને લાગી રહ્યું હતું કે તે હવે ટેસ્ટ ટીમમાં ક્યારેય વાપસી કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ ખતમ થઈ ગયું ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓનું ટેસ્ટ કરિયર? ટીમના દરવાજા લગભગ બંધ
સદીએ ભારતને અપાવી જીત:
ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને 2019માં વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ પછી ટીમમાંથી બહાર કરી દીધું હતું. જેના પછી રાહુલે ઈંગ્લેન્ડ સામે 2021માં વાપસી કરી હતી. રાહુલે વાપસી પછી રમાયેલી 5 ટેસ્ટ મેચમાં 2 સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ બંને મેચમાં જીત મેળવી છે. રાહુલે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે 129 અને સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે 123 રન બનાવ્યા. 5 ટેસ્ટની 10 ઈનિંગ્સમાં 46.10ની એવરેજથી 461 રન બનાવ્યા. જેમાં 2 સદી અને એક અર્ધસદીનો સમાવેશ થાય છે.
વન-ડે ટીમની કેપ્ટનશીપ સંભાળશે રાહુલ:
ટેસ્ટ ફોર્મેટ ઉપરાંત રાહુલે ટી-20માં પણ શાનદાર રમત બતાવી છે. ટી-20માં રાહુલે 11 મેચમાં 289 રન બનાવ્યા. જેમાં 4 અર્ધસદીનો સમાવેશ થાય છે. રાહુલને પોતાની બેટિંગના પ્રદર્શનનું ઈનામ પણ મળ્યું. રોહિત શર્મા હેમસ્ટ્રિંગથી ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાના આખા પ્રવાસમાંથી બહાર થઈ ગયો અને ટેસ્ટમાં તેની જગ્યાએ લોકેશ રાહુલને વાઈસ કેપ્ટન અને વન-ડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ટેસ્ટમાંથી વિરાટ કોહલી પણ બહાર થઈ જતાં લોકેશ રાહુલને ટેસ્ટની કમાન સોંપવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube