માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેના મનમાં પોતાના પદ પરથી હટવાનું નથી અને ટેસ્ટ કેપ્ટન પદે તે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે.
માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેનું મન પોતાના પદથી હટવાનું નથી અને તે ટેસ્ટ કેપ્ટન પદે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના મેદાન પર રમાયેલી ચોથી ટેસ્ટને જીતીને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1ની અજેય લીડ મેળવી લીધી છે અને એશિઝ પોતાની પાસે રાખી છે.
વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ રૂટના હવાલાથી લખ્યું છે, 'હું ચોક્કસપણે કેપ્ટન પદે યથાવત રહેવા ઈચ્છુ છું. મને ટેસ્ટ ટીમની આગેવાની કરવાની સારી તક મળી છે અને હું તેને જાળવી રાખીશ. હું સર્વશ્રેષ્ઠ આપવા માટે ખુબ મહેનત કરીશ.'
રૂટ હારથી નિરાશ છે, પરંતુ તેણે કહ્યું કે, આ મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડે જે સંઘર્ષ દેખાડ્યો છે તે ભવિષ્ય માટે પ્રોત્સાહનનું કામ કરશે.
રૂટે કહ્યું, 'એશિઝ હારને પચાવવી મુશ્કેલ છે. આ ખુબ નિરાશાજનક છે, પરંતુ જ્યારે તમે પોતાને આ પ્રકારની સ્થિતિમાં જોવ છો તો પોતાની ટીમ અને ખેલાડીઓ વિશે ઘણુ શીખો છો. મને લાગે છે કે બધાએ હિંમત દાખવી. અંતિમ દિવસે ખેલાડીઓ જે રીતે રમ્યા તેના પર આપણે ગર્વ હોવો જોઈએ.'
સ્મિથને હંમેશા એક 'ચીટર'ના રૂપમાં યાદ કરવામાં આવશેઃ હાર્મિસન
સ્મિથે ઉભુ કર્યું અંતર
રૂટે સ્ટીવ સ્મિથ વિશે વાત કરતા કહ્યું, 'ટેસ્ટ મેચો જુઓ તો માત્ર એક ખેલાડીએ અંતર પેદા કર્યું છે અને જેની કિંમત અમારે ચુકવવી પડી છે. સ્મિથ સિવાય દરેક બેટ્સમેન દબાવમાં હતો. સ્મિથથી છૂટકારો મેળવવાનું કામ મુશ્કેલ રહેશે. અંતમાં આ ટેસ્ટ મેચમાં તે એક મોટુ અંતર રહ્યો. સ્મિથે માન્ચેસ્ટરમાં 211 અને 86 રનની શાનદાર ઈનિંગ રમી. સિરીઝમાં તે અત્યાર સુધી 671 રન ફટકારી ચુક્યો છે.'