LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટ્સે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું, પંજાબ સામે 21 રને મેળવી જીત
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ-2024ના પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવી લીધું છે. લખનૌમાં રમાયેલી મેચમાં સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રને પરાજય આપ્યો છે.
લખનૌઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 11મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સને 21 રને પરાજય આપ્યો છે. પ્રથમ મેચમાં હાર બાદ લખનૌએ શાનદાર વાપસી કરી જીત મેળવી છે. તો પંજાબ કિંગ્સનો ત્રીજી મેચમાં આ બીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 178 રન ફટકારી શકી હતી.
લખનૌ તરફથી ડી કોકે અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. ડી કોક 38 બોલમાં 5 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી આઉટ થયો હતો. કેએલ રાહુલ 15 રન બનાવી આઉટ થયો હતો. પડિક્કલે 9 અને સ્ટોયનિસે 19 રનનું યોગદાન આપ્યું હતું. આજની મેચમાં ટીમની કમાન સંભાળી રહેલા નિકોલસ પૂરને 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા.
અંતિમ ઓવરોમાં ક્રુણાલ પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા લખનૌનો સ્કોર 200ની નજીક પહોંચાડ્યો હતો. ક્રુણાલ પંડ્યા 22 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 43 રન બનાવી અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી સેમ કરને 4 ઓવરમાં 28 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને બે તથા રબાડા અને રાહુલ ચહરને એક-એક સફળતા મળી હતી.