LSG vs MI: મુંબઈ માટે પ્લેઓફનો દરવાજો લગભગ બંધ! લખનૌ સામે 4 વિકેટે મળી હાર
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે પ્લેઓફ તરફ એક ડગલું આગળ વધારતા આજે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવી દીધું છે. ટૂર્નામેન્ટમાં લખનૌની છઠ્ઠી જીત છે અને તે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
લખનૌઃ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2024માં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. આજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો 4 વિકેટે પરાજય થયો છે. આ હાર સાથે હાર્દિક પંડ્યાની ટીમ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. હવે મુંબઈની 4 મેચ બાકી છે અને ટીમ દરેક મેચ જીતે તો પણ માત્ર 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. બીજીતરફ લખનૌએ ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે અને તે 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવી શકી હતી. જેના જવાબમાં લખનૌએ 19.2 ઓવરમાં 145 રન બનાવી મેચ જીતી લીધી હતી.
તુષારાએ પ્રથમ ઓવરમાં ઝડપી વિકેટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગમાં તુષારાએ શાનદાર શરૂઆત કરી હતી. તુષારાએ પહેલી ઓવરમાં અરશિન કુલકર્ણીને શૂન્ય રને આઉટ કર્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને સ્ટોયનિસે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ સેટ થયા બાદ આઉટ થઈ ગયો હતો. રાહુલે 22 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 28 રન બનાવ્યા હતા.
માર્કસ સ્ટોયનિસની અડધી સદી
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી માર્કસ સ્ટોયનિસે સૌથી વધુ 62 રન ફટકાર્યા હતા. સ્ટોયનિસે 45 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. દીપક હુડ્ડા 18 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. એશ્ટન ટર્નર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ આયુષ બદોની પણ 6 રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. નિકોલસ પૂરન 14 રન બનાવી અણનમ રહ્યો હતો.
મુંબઈ તરફથી બોલિંગની વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યાએ આજે શાનદાર બોલિંગ કરી હતી. પંડ્યાએ 4 ઓવરમાં 26 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય નુવાન તુષારા, મોહમ્મદ નબી અને જેરાલ્ડ કોએત્ઝીને એક-એક સફળતા મળી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. જન્મદિવસના દિવસે રોહિત શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તિલક વર્મા માત્ર 7 રન બનાવી રનઆઉટ થયો હતો. હાર્દિક પંડ્યાનું ખરાબ ફોર્મ સતત યથાવત છે. લખનૌ સામે હાર્દિક પંડ્યા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. મુંબઈએ માત્ર 27 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
નેહલ વાઢેરાએ બનાવ્યા સૌથી વધુ રન
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નેહલ વાઢેરાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. નેહલે 41 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય ઈશાન કિશને 36 બોલમાં 3 ચોગ્ગા સાથે 35 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડ 18 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 35 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. મોહમ્મદ નબી 1 રન બનાવી આઉટ થયો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મોહસિન ખાને 4 ઓવરમાં 36 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય સ્ટોયનિસ, મયંક યાદવ, નવીન ઉલ હક અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.