Virat Kohli-Ravi Shastri News: વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીની 9 મોટી સિદ્ધિ, જેના પર દરેક ભારતીયને થશે ગર્વ
ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવી ગયો છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં નામીબિયાની મેચ પૂરી થવાની સાથે હવે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કોચ રહેશે નહીં. તો વિરાટ કોહલી હવે ટી20 ટીમના કેપ્ટન તરીકે જોવા મળશે નહીં.
દુબઈઃ નામીબિયા વિરુદ્ધ મેચની સાથે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીના યુગનો અંત થઈ ગયો. આ જોડી હવે ક્યારેય ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે નહીં. કોહલી આ મેચની સાથે ટી-20 ટીમની કેપ્ટનશિપમાંથી હટી ગયો તો બીજીતરફ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ જોડીની અંડરમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત સારૂ પ્રદર્શન કર્યું છે. લગભગ સાત વર્ષ સુધી ચાલેલી આ જોડીની મુખ્ય સિદ્ધિઓ આ પ્રકારે છે.
1. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જીત (2018-19): બંનેના માર્ગદર્શનમાં ભારતે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર પ્રથમવાર હરાવનારી એશિયન ટીમ બનીને ઈતિહાસ રચી દીધો.
2. ઓસ્ટ્રેલિયામાં સતત બીજી સફળતાઃ (2020-21): કોહલી સંપૂર્ણ પ્રવાસ માટે હાજર નહોતો પરંતુ શાસ્ત્રીના માર્ગદર્શનમાં કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત બીજીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.
3. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયશિપ ફાઇનલ (2021): ભારતે કોહલી અને શાસ્ત્રીના માર્ગદર્શનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સત્રમાં ફાઇનલમાં જગ્યા બનાવી. વિરાટ કોહલીની ટીમે ફાઇનલમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
4. એકદિવસીય વિશ્વ કપ સેમીફાઇનલ (2019): ભારત 2019 આઈસીસી વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાં સર્વશ્રેષ્ઠ ટીમ બનીને ઉભરી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
5. ઈંગ્લેન્ડ પ્રવાસ (2021) કોહલી અને શાસ્ત્રીની જોડીની દેખરેખમાં ભારતે આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી છે. ભારતીય ટીમે કોરોનાને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દીધી હતી.
6. શાસ્ત્રીની દેખરેખમાં ભારતે દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતી છે.
7. શાસ્ત્રીના કોચ રહેતા ભારતે 2017માં શ્રીલંકાનો 3-0થી સફાયો કર્યો. ટીમે પ્રથમવાર આ સિદ્ધિ મેળવી હતી.
8. ભારતે પ્રથમવાર કેરેબિયન ધરતી પર ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. આટલા સમય દરમિયાન ભારત ફાસ્ટ બોલિંગ વિભાગમાં ખુબ મજબૂત થયું. આ બોલિંગ યુનિટે તમામ પરિસ્થિતિઓ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમો વિરુદ્ધ પોતાનો પ્રભાવ પાડ્યો.
9. ટેસ્ટ રેન્કિંગમાં 42 મહિના સુધી ટોપ પરઃ કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની દેખરેખમાં ભારતીય ટીમ 2016થી 2020 સુધી 42 મહિના માટે ટેસ્ટમાં દુનિયાની નંબર-1 ટીમ બની રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube