મેરી કોમ ફાઈનલમાં, પોલેન્ડ ટૂર્નામેન્ટમાં ભારતના 7 મેડલ પાકા
અંતિમ ચારમાં પ્રવેશ કરનારી અન્ય બોક્સમાં પૂર્વ એશિયન યુવાન ચેમ્પિયન મનીષા (54 કિગ્રા) અને પૂજા રાની (81 કિગ્રામ) છે
નવી દિલ્હીઃ અનુભવી મુક્કેબાજ એમ.સી. મેરી કોમ ગૂરૂવારે ફાઈનલમાં પહોંચી ગઈ હતી, જ્યારે એલ.સરિતા દેવી અંતિમ ચારમાં પહોંચી છે. આમ ભારતીય બોક્સરોએ પોલેન્ડના ગિલવાઈસમાં ચાલી રહેલી મહિલાઓની 13મી આંતરરાષ્ટ્રીય સિલેસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 7 મેડલ પાકા કરી નાખ્યા છે.
પાંચ વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે રિંગમાં પગ મુક્યા વગર જ 48 કિગ્રા લાઈટ ફ્લાઈવેટ વર્ગમાં ખેલાડીઓના ડ્રોને કારણે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. સેમિફાઈનલમાં તેણે યુક્રેનની હન્ના ઓખોટાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આથી ઓછામાં ઓછો એક સિલ્વર મેડલ તો પાકો થઈ જ ગયો છે.
ભારતની પ્રથમ અને એશિયન રમતોત્સવની એકમાત્ર ગોલ્ડ મેડલ વિજેતા બોક્સ મેરી કોમ ફિટનેસના મુદ્દે તાજેતરમાં જ આયોજિત એશિયન રમતોત્સવમાંથી બહાર રહ્યા બાદ ફરી રિંગમાં પાછી ફરી છે.
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન રમતોત્સવમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સરિતાએ 60 કિગ્રામ વર્ગમાં બુધવારે રાત્રે ચેક ગણરાજ્યની એલેના ચેકીને 5-0થી હરાવી હતી. તે સેમિફાઈનલમાં કઝાખસ્તાનની જ કરીના ઈબ્રાગિમોવા સામે ટકરાશે.
અન્ય ભારતીય બોક્સરમાં રિતુ ગ્રેવાલે રશિયાની સ્વેતલાના રોઝા સામે 4-1ના વિજય સાથે 51 કિગ્રા વર્ગમાં સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. લવલીના બોરગોહેન (69 કિગ્રા) ચેક ગણરાજ્યની માર્ટિના શ્મોરાનઝોવાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચી છે.
અંતિમ ચારમાં પ્રવેશ કરનારી અન્ય ભારતીય બોક્સરોમાં પૂર્વ એશિયન યુવાન ચેમ્પિયન મનીષા (54 કિગ્રા) અને પૂજા રાની (81 કિગ્રા) રહી છે. મનીષાએ પૂર્વ વિશ્વ ચેમ્પિયન કઝાખસ્તાનની દિના ઝોલામનને 5-0થી જ્યારે પૂજાએ યુક્રેનની અનાસ્તાસિયા ચેરનોકોલેન્કોને ક્વાર્ટરફાઈનલમાં હરાવી હતી.
યુવાનોની સ્પર્ધામાં જ્યોતિ ગુલિયા (51 કિગ્રા) જર્મનીની રાફાએલા અરામપત્ઝીને 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જોકે, સીમા પુનિયા (81 કિગ્રાથી વધુ), પ્વિલાઓ બાસુમૈત્રી (64 કિગ્રા) અને શશિ ચોપડા પોતાની મેચ હારીને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
સીમાને કઝાખસ્તાનની લજાત કુંગેબાયેવાએ 5-0થી હરાવી હતી, જ્યારે બાસુમૈત્રીને પોલેન્ડની નતાલિયા બારબુસિન્સકાએ આટલા જ પોઈન્ટ સાથે હરાવી હતી. શશિને ઈંગ્લેન્ડની એન્જિલા ચેમપમેને 5-0થી હરાવી હતી.
જુનિયર વર્ગમાં રાજ સાહિબા (70 કિગ્રા)એ પોલેન્ડની બારબરા માર્સિનકોવસ્કાને 5-0થી હરાવી હતી. નેહાએ 75 કિગ્રા વર્ગમાં દારિયા પરાદાને 5-0થી હરાવી હતી, જ્યારે કોમલ (80 કિગ્રા)એ માર્ટિના જાંસલેવિઝ સામેની કાંટાની ટક્કરમાં 3-2થી વિજય મેળવ્યો હતો.