પ્રો કબડ્ડીઃ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને હરાવી યૂપી યોદ્ધા પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચ્યું
વીવો પ્રો કબડ્ડી સિઝન-7મા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શન નિરાશાનજક રહ્યું છે. આજે યૂપી યોદ્ધા સામે રમાયેલી મેચમાં ગુજરાતનો 33-26થી પરાજય થયો હતો.
કોલકત્તાઃ પ્રો કબડ્ડી 2019ની મેચમાં યૂપી યોદ્ધાએ ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સને 33-26થી હરાવીને સિઝનની સાતમી જીત નોંધાવી છે. કોલકત્તા લેગના ત્રીજા દિવસે યૂપી યોદ્ધાના ડિફેન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રો કબડ્ડી ઈતિહાસમાં પ્રથમવાર તેણે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને પરાજય આપ્યો છે. ગુજરાતની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાન પર છે.
પ્રથમ હાફ બાદ યૂપી યોદ્ધાની ટીમ 16-9થી આગળ હતી. નિતેશ કુમાર અને સુમિતે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાતના રેડર્સને પોઈન્ટ લેવાની તક ન આપી. પ્રથમ હાફમાં એક સમયે ગુજરાતની ટીમ 8-7થી આગળ હતી, પરંતુ યૂપીએ શાનદાર વાપસી કરી અને ગુજરાતની ટીમને પ્રથમ હાફના અંતમાં ઓલઆઉટ કરી દીધી હતી.
બીજા હાફમાં સચિનના સુપર 10ની મદદથી ગુજરાતની ટીમે વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ યૂપીએ પોતાની લીડ જાળવી રાખી હતી. ગુજરાતના કેપ્ટન સુનીલે ડિફેન્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હાઈ 5 પૂરુ કર્યું હતું, પરંતુ યૂપીના ઓલરાઉન્ડ રમતની મદદથી તે ટીમની હાર ન બચાવી શક્યો. સચિન (10) અને સુનીલ કુમાર (7) સિવાય ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું.
ફિરોઝશાહ કોટલામાં કોહલીના સ્ટેન્ડનું અનાવરણ, ટીમ ઈન્ડિયા રહેશે હાજર
યૂપી યોદ્ધા તરફથી સુમિતે હાઈ 5 પૂરુ કર્યું અને 5 પોઈન્ટ હાસિલ કર્યાં હતા. તેના સિવાય ડિફેન્સમાં કેપ્ટન નિતેશ કુમારે 4 અને આશુ સિંહે 2 પોઈન્ટ મેળવ્યા હતા. શ્રીકાંત જાધવને રેડિંગમાં 6 અને રિશાંકે 5 પોઈન્ટ મેળવ્યા હતા. તો સુરેન્દર ગિલે ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા મેચમાં 6 પોઈન્ટ મેળવ્યા હતા.
યૂપી યોદ્ધાનો આગામી મુકાબલો 16 સપ્ટેમ્બરે પુણેમાં જયપુર સામે અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો આગામી મુકાબલો 14 સપ્ટેમ્બરે પુણેમાં ઘરેલૂ ટીમ પુનેરી પલટન વિરુદ્ધ રમાશે.