Pro Kabaddi 2019: ગુજરાત અને બંગાળ વચ્ચે રસાકસી બાદ મેચ ટાઈ
મનિંદર સિંહે મેચમાં સૌથી વધુ 9 પોઈન્ટ હાસિલ કર્યાં અને તેની મદદથી બંગાળ હોમ લેગના પ્રથમ દિવસે હારથી બચી શકી હતી.
કોલકત્તાઃ પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનની 78મી મેચ રોમાંચક રીતે 25-25થી ટાઈ રહી હતી. બંગાળની ટીમ હવે 43 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર આવી ગઈ છે, જ્યારે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ આ સમયે 33 પોઈન્ટની સાથે આઠમાં સ્થાન પર છે. મનિંદર સિંહે મેચમાં સૌથી વધુ 9 પોઈન્ટ હાસિલ કર્યાં અને તેની મદદથી બંગાળ હોમ લેગના પ્રથમ દિવસે હારથી બચી શકી હતી.
પ્રથમ હાફ બાદ બંગાળ વોરિયર્સે 15-13થી લીડ બનાવી હતી. શરૂઆતમાં બંન્ને ટીમોના રેડર્સ પોઈન્ટ લઈને આવ્યા હતા. બંગાળની ટીમના કેપ્ટન મનિંદર સિંહે ટીમનું ખાતુ પ્રથમ રેડમાં ખોલ્યું, તો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ માટે સચિને પ્રથમ રેડમાં પોતાની ટીમને પોઈન્ટ અપાવ્યો હતો. ત્યારબાદ પ્રપંજને પણ બે બોનસ પોઈન્ટ લઈને ટીમને લીડ અપાવવાનું કામ કર્યું હતું. પરંતુ ત્યારબાદ મુકાબલો ધીમો થયો અને બંન્ને ટીમોએ ડિફેન્સમાં પોઈન્ટ લેવાનું શરૂ કર્યું હતું. ગુજરાતના સોનૂએ મેચની 16મી મિનિટમાં સુપર રેડ કરતા 3 પોઈન્ટ હાસિલ કર્યાં અને પ્રથમ હાફના અંતમાં ટેકલમાં પણ પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ 20 મિનિટમાં કોઈ ટીમ અન્ય ટીમને ઓલઆઉટ ન કરી શકી.
U19 એશિયા કપઃ ભારતે પાકને 60 રને હરાવ્યું, અર્જુન આઝાદ અને તિલક વર્માની સદી
બીજા હાફમાં ગુજરાતે પોતાની ટીમમાં રોહિત ગુલિયાને સામેલ કર્યો અને તેનો ફાયદો ટીમને થયો હતો. ગુજરાતે શાનદાર વાપસી કરી અને તેણે મનિંદર સિંહ, મોહમ્મદ નબીબક્શ અને કે પ્રપંજનને આઉટ કર્યાં હતા. પરંતુ તે બંગાળને ઓલઆઉટ કરવામાં સફળ ન રહી, સુકેશ હેગડેએ ટીમને બચાવી હતી. ગુજરાતે મહત્વના સમયે લીડ મેળવી, પરંતુ મનિંદર સિંહ બંગાળને અંતિમ રેડમાં બે પોઈન્ટ અપાવ્યા અને મેચ ટાઈ કરાવી હતી. બંન્ને ટીમોને આ મેચથી 3-3 પોઈન્ટ મળ્યા હતા.