એમ્બાપ્પેનો મોટો ખુલાસો, કમરની ઈજાની સાથે રમ્યો હતો વર્લ્ડકપ ફાઇનલ
એમ્બાપ્પે વિશ્વકપમાં પેલે બાદ બે કે તેથી વધુ ગોલ કરનારો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
પેરિસઃ ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઇકર કાઇલિયાન એમ્બાપ્પેએ મોટો ખુલાસો કર્યો છે. તેણે કમરની ઈજાની સાથે વિશ્વ કપ સેમીફાઇનલ અને ફાઇનલ રમી હતી. ફ્રાન્સની ફુટબોલ પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ્બાપ્પેએ કહ્યું કે, રૂસમાં ટૂર્નામેન્ટની સેમીફાઇનલના ત્રણ દિવસ પહેલા તેના સ્પાઇનના હાડકાંમાંથી ત્રણ ખસી ગયા હતા. ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી હરાવીને ટાઇટલ જીત્યું. તેણે કહ્યું કે, હું વિરોધીઓને તેની ખબર ન પડે તેનું ધ્યાન રાખવા માંગતો હતો બાકી તે મારી કમરને નિશાન બનાવત. તેણે કહ્યું કે, અમે ફાઇનલમાં પણ તે છુપાવીને રાખ્યું.
એમ્બાપ્પેએ ફાઇનલમાં એક ગોલ સહિત ટૂર્નામેન્ટમાં ચાર ગોલ કરીને વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો પુરસ્કાર જીત્યો. તે પેલે બાદ વિશ્વકપમાં બે કે તેથી વધુ ગોલ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો.
ફુટબોલ વિશ્વકપમાં અત્યાર સુધી સૌથી વધુ ગોલ કરનાર જર્મનીના ખેલાડી મિરોસ્લાવ ક્લોસે કહ્યું કે, હાલની વિશ્વ વિજેતા ફ્રાન્સના યુવા ખેલાડી કાઇલિયન એમ્બાપ્પે વિશ્વકપમાં તેનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવી શકે છે. એમ્બાપ્પેએ રૂસમાં રમાયેલી વિશ્વકપની 21મી સીઝનમાં ચાર ગોલ કર્યા હતા જેમાં એક ગોલ તેણે ફાઇનલમાં ક્રોએશિયા વિરુદ્ધ કર્યો હતો.