નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી #Metoo મુહિમની આગની ઝપેટ બોલીવુડથી થઈને હવે સ્પોર્ટસ વર્લ્ડ સુધી પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મંત્રી અર્જુન રણતુંગા બાદ લસિથ મલિંગા પર મીટૂનો આરોપ લાગ્યો છે. ભારતીય પ્લેબેક સિંગર ચિનમયી શ્રીપદાએ મલિંગા પર આરોપ લગાવ્યો છે. પરંતુ આ મામલો શ્રીપદા સાથે જોડાયેલો નથી. તેણે એક અન્ય અજાણી યુવતી વિશે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિનમયી શ્રીપદાએ પીડિતાની સાથે થયેલી ઘટના વિશે ટ્વીટર પર લખ્યું, હું નામ જાહેર કરવા ઈચ્છતી નથી. કેટલાક વર્ષો પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન હું મુંબઈની એક હોટલમાં મારી મિત્રને શોધી રહી હતી, જ્યાં અમે રોકાયા હતા. હું તે સમયે ચોંકી ગઈ, જ્યારે મલિંગાએ મને જણાવ્યું કે, મારી મિત્ર તેના રૂમમાં છે. હું ત્યાં ગઈ, પરંતુ તે ત્યાં ન હતી. મલિંગાએ મને બળજબરીથી પલંગ પર પાડી દીધા  અને મારી પર સુઈ ગયો. મેં મારી જાતને છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને સફળતા ન મળી. મેં મારી આંખો બંધ કરી લીધી અને મલિંગા મારા ચહેરાનો ઉપયોગ કરતો રહ્યો. 


તેણે આગળ લખ્યું, મારી સાથે બળજબરી થઈ રહી હતી ત્યારે ડોરબેલ વાગ્યો અને હોટલનો સ્ટાફ કોઈ કામથી અંદર આવી ગયો. મેં તકનો લાભ ઉઠાવ્યો અને સીધી વોશરૂમમાં ચાલી ગઈ હતી. પોતાને સંભાળી અને મારૂ મોઢુ સાફ કરીને તે રૂમમાંથી ભાગી ગઈ હતી. મને ખ્યાલ છે કે લોકો કહેશે કે તે પ્રખ્યાત છે અને હું જાણી જોઈને તેની પાસે ગઈ હતી. 



આ વિશે શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ સિંગરનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. કેટલાક લોકો સિંગરના ટ્વીટને સમર્થન આપી રહ્યાં છે તો કેટલાકે ઉપજાવી કાઢેલી સ્ટોરી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 1996 વિશ્વ કપ વિજેતા શ્રીલંકા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગા પર એક એર હોસ્ટેસે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.