સૌરવ ગાંગુલીએ BCCI પર ઉઠાવ્યા સવાલ, #MeToo મામલે કાર્યવાહી પર વ્યક્ત કરી ચિંતા
સૌરવ ગાંગુલીએ બોર્ડને ઇમેલ મોકલ્યો છે. તેમાં રાહુલ જૌહરીનું નામ લીધા વગર તેના પર કાર્યવાહી ન કરવાના સવાલ ઉઠાવ્યો છે.
નવી દિલ્હીઃ #MeToo મામલા પર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની નબળી કાર્યવાહી વિરુદ્ધ હવે બોર્ડના અંદરથી અવાજ ઉઠવા લાગ્યો છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ મામલામાં બોર્ડને ઈ-મેલ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, આ મામલાને જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો, તે ચિંતાજનક છે. ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે.
સૌરવ ગાંગુલી પોતાના ઇ-મેલની શરૂઆતમાં કહે છે કે, હું આ મેલ ડરના ભાવની સાથે લખી રહ્યો છું અંતે ભારતીય ક્રિકેટ વહિવટમાં શું થઈ રહ્યું છે. હું ખુબ ચિંતિત છું. હું તે જણાવવા ઈચ્છું છું કે છેલ્લા કેટલાક વર્ષથી ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણય લેવામાં આવ્યા છે, તેનાથી પ્રશંસકોને નિરાશા થઈ છે.
રાહુલ જૌહરી પર કાર્યવાહીને ગણાવી નબળી
ગાંગુલીએ પોતાના મેલમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરીનું નામ લીધું નથી, પરંતુ તેમના પર લાગેલા યૌન શોષણના આરોપો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, મને ખ્યાલ નથી કે આ મામલામાં કેટલું સત્ય છે. પરંતુ હાલમાં યૌન શોષણના આરોપો પર બીસીસીઆઈની કાર્યવાહી ખૂબ નબળી રહી છે. તેમાં પણ ચિંતાજનક આ મામલાને પહોંચી વળવાની રીત છે. સીઓએની કમિટીએ જે પહેલા ચાર સભ્યો હતા તેમાં હવે બે સભ્યો છે, તેમાં પણ મનમેળ નથી. સીઓઓના ચેરમેન વિનોદ રાયે આ મામલાની તપાસ માટે કમિટી બનાવી છે. તો સીઓએના બીજા સભ્ય ડાયના એડુલજીનું કહેવું છે કે જૌહરીએ તો રાજીનામું આપી દેવું જોઈએ કે તેને હટાવી દેવા જોઈએ.
સીઝનની વચ્ચે નિયમમાં ફેરફાર કરવા પર ઉઠાવ્યા સવાલ
ગાંગુલીએ પોતાના મેલમાં બીસીસીઆઈ દ્વારા હાલમાં ફેરફાર કરાયેલા નિયમો પર પણ સવાલ કર્યા છે. તેમણે કહ્યું, ક્રિકેટના નિયમ સીઝનની વચ્ચે બદલી ગયા છે, જે અમે પહેલા ક્યારેય સાંભળ્યું નથી. તેમણે નિયમમાં ફેરફાર કરવાને લઈને એક દિવસ પહેલા ઈ-મેલ કર્યો હતો. તેમાં કહ્યું હતું. હું હેરાન છું કે કોઈપણ ચર્ચા વિચારણા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી વાત તે છે તે ટેકનિકલ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયને નજરઅંદાજ કરવામાં આવ્યા અને નવા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ નિયમ સંપૂર્ણ રીતે અવ્યવસ્થિત છે
ગાંગુલીએ નવા નિયમ વિશે આગળ લખ્યું, આ સંપૂર્ણ રીતે અવ્યવસ્થિત અને બીસીસીઆઈના પાયાના બંધારણ વિરુદ્ધ છે. જ્યાં સંબંધિત સમિતિઓ બેઠક આયોજીત કરે છે. આશા છે કે, સીઓએ તેનું મહત્વ સમજશે. નોઁધનીય છે કે સીઓએએ આ સીઝનમાં ત્રણ-ચાર નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા જાહેર કરાયેલા નિયમ મુજબ જે ખેલાડી રમવા માટે ટીમ બદલશે, તેણે સ્થાનિક રાજ્યના જન્મનું પ્રમાણપત્ર, રોજગાર કે શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણ પત્ર આપવું પડશે.