મિયામી ઓપનઃ ફેડરર પહોંચ્યો ચોથા રાઉન્ડમાં, હાલેપે વિનસને હરાવી
સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર આશા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરતા સોમવારે અહીં મિયામી ઓપનના ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.
મિયામીઃ સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર આશા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરતા સોમવારે અહીં મિયામી ઓપનના ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. તો રોમાનિયાની પૂર્વ નંબર-1 ટેનિસ ખેલાડી સિમોના હાલેપે સોમવારે અહીં મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં ત્રણ વખતની ચેમ્પિયન વિનસ વિલિયમ્સને પરાજય આપ્યો હતો.
બીસીસીના રિપોર્ટ અનુસાર, 20 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા ફેડરર સર્બિયાના ફિલિપ ક્રાજીનોવિકને સીધા સેટોમાં 7-5, 6-3થી પરાજય આપ્યો હતો. ફેડરર ત્રણ વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં વિજેતા રહ્યો છે. તેણે વર્લ્ડ રેન્કિંગમાં 103માં સ્થાને રહેલા ક્રાજીનોવિકને હરાવવા માટે એક કલાક 30 મિનિટનો સમય લીધો હતો. વર્લ્ડ નંબર-5 ફેડરરે મેચમાં 14 દમદાર એસ લગાવ્યા હતા. આગામી રાઉન્ડમાં ફેડરરનો મુકાબલો રૂસના ડેનિલ મેદવેદેવ સામે થશે.
હાલેપે એકતરફી મેચમાં અમેરિકાની દિગ્ગજને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. ઈએસપીએનના રિપોર્ટ અનુસાર, વિલિયમ્સે છેલ્લે 2001માં આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા તેણે 1998 અને 1999માં પણ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવનાર હાલેપ જો આ ટાઇટલ જીતવામાં સફળ રહે તો તે ફરી એકવાર વર્લ્ડ નંબર-1 બની જશે કારણ કે જાપાનની નાઓમી ઓસાકા પહેલા જ બહાર થઈ ગઈ છે. હાલેપ હાલમાં રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.