ઓસ્ટ્રેલિયા માટે ફરીથી રમવા ઈચ્છે છે પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક
માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે ફ્રીમાં રમવાનો પ્રસ્તાવ આપ્યો છે
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હંમેશા વિવાદોમાં રહ્યું છે. ક્યારેક મેદાન પર ખેલાડીઓના વ્યવહારને લઈને તો હાલમાં બોલ ટેમ્પરિંગ મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ડેવિડ વોર્નર, કેમરન બેનક્રોફ્ટ અને સ્ટીવ સ્મિથ સામેલ છે. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો અને બનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ટીમમાં પરત ફરવા ઈચ્છે છે ક્લાર્ક
ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તે ફરિવાર દેશ માટે રમે. આવું જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક સાથે થયું છે. માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે ફ્રીમાં રમવાનો પ્રસ્તાવ આપ્યો છે જેથી તે બોલ ટેમ્પરિંગ વિવાદ ખાડે ગયેલી ટીમને ઉભી કરવામાં મદદ કરી શકે.
ઓસ્ટ્રેલિયાની મદદ માટે ગમે તે કરવા તૈયાર
સાડત્રિસ વર્ષના ક્લાર્કે સિડની સંડે ટેલીગ્રાફને કહ્યું, ''ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની મદદ કરવા ગમે તે કરીશ"
તેણે કહ્યું, '' ઉંમર માત્ર ઉંમર છે, શું 37 વર્ષ ખૂમ મોટી ઉંમર છે? મેં ક્યારેય ઉંમરની ચિંતા કરી નથી. બ્રેડ હોગ પણ 45 વર્ષ સુધી રમ્યો હતો. મને લાગે છે કે આ અંકો પર નિર્ભર કરતું નથી. આ પ્રતિબદ્ધતા અને નિષ્ઠા પર નિર્ભર કરે છે.
ક્લાર્કે કહ્યું, તેણે આ સંદર્ભમા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી જેમ્સ સદરલેન્ડને સંદેશો મોકલ્યો છે પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી.
તમને જણાવી દઈએ કે, માઇકલ ક્લાર્ક 2015માં 115 ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત થયો હતો. તેણે કહ્યું કે, તેના અનુભવથી ટીમને મેદાનની અંદર અને બહાર મદદ મળી શકે છે. માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ મેચોમાં 48.83ની એવરેજથી 8643 રન બનાવ્યા છે.