IND vs SL 1st Test: પ્રથમ દિવસ ભારતના નામે, સદી ચુક્યો પંત, સ્કોર 357-6
ભારતે મોહાલી ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત પકડ બનાવી લીધા છે. પ્રથમ દિવસે રિષભ પંતની 96 રનની ઈનિંગની મદદથી ભારતે 357 રન બનાવ્યા છે.
મોહાલીઃ મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થઈ ગયો છે. પ્રથમ દિવસ યજમાન ભારતના નામે રહ્યો છે. દિવસના અંતે ભારતે 6 વિકેટે 357 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે દમદાર ઈનિંગ રમી પણ તે સદી ચુકી ગયો હતો. તેણે 9 ફોર અને ચાર સિક્સની મદદથી 96 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસે કુલ 85 ઓવરની રમત થઈ હતી. સ્ટમ્પ્સ સમયે જાડેજા 45 અને આર અશ્વિન 10 રન બનાવી ક્રિઝ પર હતા. શ્રીલંકા માટે લસિથ એમ્બુલડેનિયાએ બે વિકેટ ઝડપી હતી. તેણે વિરાટ કોહલી અને મયંક અગ્રવાલને આઉટ કર્યા હતા. તો સુરંગા લકમક, ધનંજય ડી સિલ્વા, લાહિરૂ કુમારા અને વિશ્વા ફર્નાન્ડોને એક-એક સફળતા મળી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મયંક અગ્રવાલે કેપ્ટન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 52 રન જોડ્યા હતા. રોહિત 29 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, મયંકે 49 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ મેગા ઓક્શન બાદ રાજસ્થાન રોયલ્સની ટીમમાં થઈ આ દિગ્ગજની એન્ટ્રી, આઈપીએલમાં મચાવશે ધમાલ
ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા હનુમા વિહારીએ 58 રનની ઇનિંગ રમી હતી. પોતાની 100મી ટેસ્ટ રમતા વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 27 રન બનાવ્યા હતા. રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તે તેની સદી ચૂકી ગયો. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતે છઠ્ઠી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. જાડેજા 5 ચોગ્ગાની મદદથી 45 અને અશ્વિન બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને અણનમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube