ICC Test Ranking: પાકિસ્તાની બોલર મોહમ્મદ અબ્બાસની લાંબી છલાંગ, ત્રીજા સ્થાને પહોંચ્યો
અબ્બાસે 10 ટેસ્ટમાં 59 વિકેટ ઝડપી અને સૌથી ઓછા મેચમાં વિકેટોની અડધીસદી પૂરી કરવાના મામલામાં તે બીજા સ્થાન પર છે.
દુબઈઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ રવિવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 11 સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
અબ્બાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અબુધાબીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં 95 રન આપીને 10 વિકેટ ઝડપી હતી, જેમાં પાકિસ્તાનનો 373 રને વિજય થયો હતો. તેણે બે મેચની શ્રેણીના પ્રથમ મેચમાં પણ સાત વિકેટ ઝડપી હતી.
આઈસીસીના નવા રેન્કિંગમાં તે 14માં સ્થાન પરથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રેન્કિંગમાં તેનાથી આગળ ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન અને સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા છે.
અબ્બાસે 10 ટેસ્ટમાં 59 વિકેટ ઝડપી અને સૌથી ઓછા મેચમાં વિકેટોની અડધીસદી પૂરી કરવાના મામલામાં તે બીજા સ્થાન પર છે. દિગ્ગજ વકાર યૂનિસ અને શબ્બીર અહમદે 10 મેચોમાં 50 વિકેટ લીધી હતી. આ મામલામાં પ્રથમ સ્થાને યાસિર શાહ છે જેણે નવ મેચમાં 50 વિકેટ ઝડપી હતી.