ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના જાણીતા ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે નિવૃત્તિ તોડવાની જાહેરાત કરી છે. તે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર ટી20 વિશ્વકપ રમશે. મોહમ્મદ આમિરે તેને લઈને એક પોસ્ટ કરી છે. તેણે લખ્યું કે હું હજુ પણ પાકિસ્તાન માટે રમવાનું સપનું જોઉં છું. જિંદગીમાં ઘણી એવી ક્ષણ આવે છે જ્યારે તમારે તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો હોય છે. તેણે લખ્યું કે પીસીબી સાથે કેટલીક સકારાત્મક વાતચીત થઈ છે. ત્યારબાદ તેમણે મને જણાવ્યું કે પાકિસ્તાન ટીમને મારી જરૂર છે. તેને લઈને મેં પરિવાર અને મિત્રો સાથે વાત કરી અને નક્કી કર્યું કે મારે ફરી મેદાનમાં ઉતરવું જોઈએ. નોંધનીય છે કે એક દિવસ પહેલા પાકિસ્તાની ઓલરાઉન્ડર ઇમાદ વસીમે પણ યુ-ટર્ન લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન જર્સી પહેરવી સૌથી મોટુ સપનું
મોહમ્મદ આમિરે આગળ લખ્યું કે ગ્રીન જર્સી પહેરવી અને પોતાના દેશની સેવા કરવી હંમેશા મારુ સૌથી મોટુ સપનું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આમિરે વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંતી સંન્યાસ લઈ લીધો હતો. આમિરે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન માટે રમતા તેને ફિક્સિંગને લઈને પરેશાન કરવામાં આવે છે. જેના કારણે તે માનસિક રૂપથી પરેશાન થઈ ગયો છે. પાછલા વર્ષે પણ પૂર્વ ટીમ ડાયરેક્ટર મોહમ્મદ હફીઝે આમિરને વાપસી માટે કહ્યું હતું. પરંતુ તે સમયે આમિરે ઇનકાર કરી દીધો હતો. 



સ્પોટ ફિક્સિંગનો ડાઘ
મોહમ્મદ આમિર 2009થી 2020 સુધી 11 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો હતો. આ દરમિયાન તેણે 36 ટેસ્ટમાં 119, 61 વનડેમાં 81 અને 50 ટી20 મેચમાં 59 વિકેટ લીધી હતી. આમિરની ગણના પાકિસ્તાનના ઘાતક ફાસ્ટ બોલરમાં થાય છે, પરંતુ 2010માં સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ બાદ તે વિવાદમાં આવ્યો હતો. આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.