એશિયા કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત, હાફિઝ બહાર
એશિયા કપ માટે ટીમમાં તે ખેલાડીઓને વધુ તક આપવામાં આવી છે જે ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ હતા.
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અનુભવી બેટ્સમેન મોહમ્મદ હાફિઝને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમમાં સામેલ કર્યો નથી.
પૂર્વ કેપ્ટન અંજમામ ઉલ હકની વડપણ હેઠળની પસંદગી સમિતિએ હાફિઝ સિવાય ઇમાદ વસીમને 16 સભ્યોની ટીમમાંથી બહાર રાખ્યો છે. આ બંન્ને ખેલાડી ટીમના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન 18 સભ્યોના દળમાં હતા.
પસંદગીકારોએ હાફીઝની જગ્યાએ શાન મસૂદને ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય 18 વર્ષના યુવા ફાસ્ટ બોલર શાહીન અફરીદી અને અંજમામના ભત્રીજા ઇમામ ઉલ હકને પણ ટીમમાં તક મળી છે.
એશિયા કપ માટે ટીમમાં તે ખેલાડીઓને વધુ તક આપવામાં આવી છે જે ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ હતા.
છ દેશોની આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમ પોતાના અભિયાનની શરૂઆત 16 સપ્ટેમ્બરથી ક્વોલાફાઇ કરનારી ટીમ વિરુદ્ધ રમીને કરશે. ત્યારબાદ તે 19 સપ્ટેમ્બરે ભારત સામે ટકરાશે.
એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમઃ સરફરાઝ અહમદ (કેપ્ટન), ફખર જમાન, શોએબ મલિક, મોહમ્મદ આમિર, શાદાબ ખાન, ઇમામ ઉલ હક, શાન મસૂદ, બાબર આઝમ, આસિફ અલી, હૈરિસ સોહેલ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, જુનૈદ ખાન, ઉસ્માન શિનવારી, શાહીન અફરીદી.