ટી-20 ઈતિહાસનો સૌથી કંજુસ બોલર બન્યો આ પાકિસ્તાની ખેલાડી
ઇરફાને સેન્ટ કીટ્સ અને નેવિસ વિરુદ્ધ ચાર ઓવરમાં ત્રણ ઓવર મેડન ફેંકી અને એક રન આપીને બે વિકેટ પણ પોતાના નામે કરી હતી.
બ્રીજટાઉનઃ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર ચાલી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછી ખર્ચાળ ચાર ઓવર ફેંકીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
36 વર્ષિય ઇરફાને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં બારબાડોસ ટ્રાઇડેન્ટસ તરફથી બોલિંગ કરતા આ સિદ્ધિ મેળવી હતી.
ઇરફાને સેન્ટ કીટ્સ અને નેવિસ વિરુદ્ધ ચાર ઓવરમાં ત્રણ ઓવર મેડન ફેંકી અને એક રન આપીને બે વિકેટ પણ પોતાના નામે કરી હતી.
મધ્યમ ગતીના ફાસ્ટ બોલર ઇરફાને ચાર ઓવરના 24 બોલમાંથી 23 બોલ ખાલી કાઢ્યા હતા. તેણે ક્રિસ ગેલ અને ઇવિન લુઈસને આઉટ પણ કર્યા હતા.
ઇરફાનની આ શાનદાર બોલિંગ છતા તેની ટીમ બારબાડોસ ટ્રાઇડેન્ટસને હારનો સામનો કરવો પડ્યો હતો. બારબાડોસે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા, જેને કીટ્સની ટીમે 18.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધા હતા.
ઇરફાને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ માટે અત્યાર સુધી 20 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 15 વિકેટ ઝડપી છે. ટી-20માં 18 રન આપીને 2 વિકેટ તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ છે.