નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2018-19ની સીઝનમાં પ્રથમ હેટ્રિક જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના પેસર મોહમ્મદ મુદાસિરે બીજા દિવસે રાજસ્થાનના બેટ્સમેનને જયપુરમાં આઉટ કર્યા હતા. તેણે હેટ્રિક નહીં,પરંતુ ચાર બોલમાં સળંગ ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ મુદાસિરે રાજસ્થાનના ચારે-ચાર ખેલાડીને LBW આઉટ કર્યા હતા. આમ, સળંગ ચાર બોલમાં ચાર ખેલાડીને LBW આઉટ કરનારો મુદાસિર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. રણજીના ઈતિહાસમાં 30 વર્ષ બાદ કોઈ બોલરે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની આ પ્રથમ ઘટના હતી અને અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિશ્વના કુલ 45 ખેલાડી સળંગ ચાર વિકેટ લઈ ચૂક્યા છે, પરંતુ તે અલગ-અલગ ફોર્મમાં હતી. 


ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુદાસિર ત્રીજો ખેલાડી છે, જેણે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હોય. આ સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હેટ્રિક લેનારો જમ્મુ-કાશ્મિરનો પ્રથમ બોલર બન્યો છે. આ અગાઉ 2017માં વિજય હજારે ટ્રોફીમાં હેટ્રિક લઈને ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં હેટ્રીક લેનારો જમ્મુ-કાશ્મીરનો પ્રથમ ખેલાડી બન્યો હતો. 


મોહમ્મદ મુદાસિરે પ્રથમ બોલે રાજસ્થાનના છેતન બિષ્ટે, પછી તેજિંદર સિંહ, રાહલ ચાહર અને તનવીર મશર્ત-ઉલ-હકને આઉટ કર્યા હતા. રણજી ટ્રોફીના ઇતિહાસની આ બીજા ઘટના હતી, જ્યારે કોઈ ખેલાડીએ સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લીધી હોય. રણજીના ઈતિહાસમાં પ્રથમ વખત શંકર સૈનીએ નવેમ્બર 1988માં દિલ્હીમાં હિમાચલ પ્રદેશ સામે 4 વિકેટ લીધી હતી. 


સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન 3 વિકેટ ગુમાવીને 329 રન બનાવી ચૂક્યો હતું. વિષ્ટ અને અશોક મેરિયા ક્રિઝ પર હતા, પરંતુ 97મી ઓવરમાં મુદાસિરે બંનેની ભાગીદારી તોડી હતી. આ ફાસ્ટ બોલરે સળંગ ચાર વિકેટ લઈને આખી મેચ બદલી નાખી હતી. 


વિકેટકીપર-બેટ્સમેન બિષ્ટે 159 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ 110 ઓવરમાં 379 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં જમ્મુ-કાશ્મીરે બીજા દિવસે સ્ટમ્પ સુધી 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટીમને હજુ પ્રથમ ઈનિંગ્સનો સ્કોર પૂરો કરવા 193 રનની જરૂર છે.