સાઉથમ્પ્ટનઃ એક વાર જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ યોર્કર ફેંકવાનું કહ્યું તો શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મુકાબલાની હેટટ્રિક બોલ લઈને મોહમ્મદ શમીના મનામાં કોઈ દુવિધા ન રહી. શમી વિશ્વકપમાં હેટટ્રિક ઝડપનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા ચેતન શર્માએ 1987મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નાગપુરમાં હેટટ્રિક ઝડપી હતી. આ વિશ્વકપની 10મી હેટટ્રિક હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ પર 224 રન બનાવ્યા જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 213 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં 40 રન આપીને ચાર વિકેટ ઝડપનાર શમીએ મેચ બાદ પત્રકારોને કહ્યું, મારો પ્લાન સિમ્પલ હતો. હું યોર્કર ફેંકવા ઈચ્છતો હતો. ત્યારબાદ માહી ભાઈએ મને તે કરવાનું કહ્યું. તે બોલ્યો, હવે કંઇ ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે હવે તારી પાસે હેટટ્રિક લેવાની શાનદાર તક છે. આ એક દુર્લભ અવસર છે, તારે તે કરવાની જરૂર છે. મેં તે જ કર્યું જે મને કહેવામાં આવ્યું. 


ભુવનેશ્વર કુમારની ઈજાને કારણે શમીને અંતિમ ઇલેવનમાં તક મળી અને બંગાળના આ ફાસ્ટ બોલરે તેનો લાભ ઉઠાવ્યો. તેણે કહ્યું, ભાગ્યથી મને અંતિમ 11મા તક મળી. મને જ્યારે પણ તક મળે હું તેના માટે તૈયાર રહુ છું. મારે તેનો ફાયદો ઉઠાવવો હતો. જ્યાં સુધી હેટટ્રિકની વાત છે, તે ભાગ્યની વાત છે, ખાસ કરીને વિશ્વકપમાં. હું હેટટ્રિક ઝડપીને ખુશ છું. 


શમીએ કહ્યું કે, અંતિમ ઓવરમાં વધુ વિચારવાનો સમય હોતો નથી. મારુ લક્ષ્ય માત્ર યોજનાનો અમલ કરવાનું હતું. 


તેણે કહ્યું, તમારી પાસે વિચારવાનો વધુ સમય હોતો નથી. તમારે તમારી કળા પર વિશ્વાસ કરવાનો હોય છે અને વિકલ્પ તમારી પાસે હોતા નથી. જો તમે વધુ વેરિએશન ટ્રાય કરો તો રન બની શકે છે. બેટ્સમેનોના મગજને વાંચવા કરતા તમારા પ્લાન પ્રમાણે કામ કરવાનું હોય છે. 


ભારતીય ફાસ્ટ બોલરો શમી અને બુમરાહને તે ઝડપથી અહેસાસ થઈ ગયો કે અફઘાનિસ્તાન વિરુદ્ધ શોર્ટ પિચ બોલિંગ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.