IPL 2024 માં CSK ની સફર ખતમ થયા બાદ પોતાની પસંદગીનું કામ કરતો જોવા મળ્યો ધોની, જુઓ VIDEO
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2024ના પ્લેઓફમાં ક્વોલીફાઈ કરી શકી નથી. ટીમે નિર્ણાયક મેચમાં આરસીબી વિરુદ્ધ 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
MS Dhoni: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલ 2024ના અંતિમ મેચમાં આરસીબી સામે 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ચેન્નઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તે દાવો કરવામાં આવ્યો છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ મેચ હતી. આ સીઝન પહેલા ધોનીએ સીએસકેની કમાન છોડી દીધી હતી અને ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની સફર ખતમ થયા બાદ ધોની પોતાનું પસંદગીનું કામ કરતો જોવા મળ્યો છે.
ધોનીએ ચલાવી બાઈક
મહેન્દ્ર સિંહ ધોનીને બાઇક ચલાવવી ખુબ પસંદ છે. તેનો બાઇક પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ધોનીના ઘરમાં બાઇક અને કારોનું એક ખાસ કલેક્સન છે. સમય-સમય પર ફેન્સને વીડિયોના માધ્યમથી કાર કલેક્શન જોવા મળે છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એકવાર ધોનીના ઘરમાં વીડિયોથી ગેરેજની ઝલક દેખાડી હતી. હવે આઈપીએલ 2024 પૂર્ણ થયા બાદ ધોની રાંચીના રસ્તાઓ પર બાઈક ચલાવતો જોવા મળ્યો છે. ક્રિકેટ ફેન દ્વારા બનાવેલા એક વીડિયોમાં તે બાઇક ચલાવતો પોતાના ઘરમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ વીડિયોમાં તેના ઘરનો લાલ ગેટ પણ જોવા મળી રહ્યો છે.
IPL 2024 માં ધોનીનું પ્રદર્શન
ધોનીની ગણના દુનિયાના મહાન કેપ્ટનોમાં થાય છે. તેની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. આઈપીએલ 2024માં ચેન્નઈની ટીમને આરસીબી સામે દિલ તોડનારી હાર મળી હતી. આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સામેલ છે. આઈપીએલ 2024માં ધોનીએ 14 મેચમાં 161 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 37 રન રહ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ અને આરસીબીની મેચ બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે આ ધોનીની છેલ્લી મેચ હતી. તે વર્ષ 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. સીએસકે સિવાય ધોની રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી પણ રમી ચુક્યો છે. ધોનીએ આઈપીએલની 264 મેચમાં 5243 રન બનાવ્યા છે. ધોનીના નામે 24 અડધી સદી પણ સામેલ છે.