વિજય હજારે ટ્રોફીઃ બિહારને 9 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું મુંબઈ
દેશપાંડેએ 23 રન આપીને પાંચ અને સ્પિનર શમ્સ મુલાનીએ 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
બેંગલુરૂઃ મધ્યમ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેની ધાતક બોલિંગની મદદથી મુંબઈએ રવિવારે અહીં બિહારને નવ વિકેટે હરાવીને વિજય હજારે એકદિવસીય ટ્રોફીની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
લાંબા સમય બાદ રાષ્ટ્રીય સ્તર પર વાપસી કરનાર બિહારની ટીમ પ્રથમવાર કોઈ મોટી ટીમનો સામનો કરી રહી હતી જેમાં તે નિષ્ફળ રહી. બિહારની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈના મજબૂત આક્રમણ સામે 28.2 ઓવરમાં 69 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
દેશપાંડેએ 23 રન આપીને પાંચ અને સ્પિનર શમ્સ મુલાનીએ 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી પહેલા મેચ પ્રેક્ટિસ માટે ટૂર્નામેન્ટમાં રમી રહેલા રોહિત શર્માને ક્રીઝ પર વધુ સમય પસાર કરવા ન મળ્યો કારણ કે મુંબઈએ 12.1 ઓવરમાં એક વિકેટ પર 71 રન બનાવીને 225 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી.
રોહિત 42 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ત્રણ ફોર અને બે સિક્સ ફટકારી હતી. અખિલ હેરવાદકરે 24 રનનું યોગદાન આપ્યું હતું. બિહારે પ્લેટ ગ્રુપમાં અજેય રહેતા ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ મુંબઈ સામે તેની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. બિહારના માત્ર બે બેટ્સમેન બાબુલ કુમાર (16) અને રહમુતુલ્લાહ (18) બે અંકના સ્કોર પર પહોંચી શક્યા હતા.