ચેન્નઈઃ  ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને 12 મેએ હૈદરાબાદમાં રમાનારી ફાઇનલ માટેની ટિકિટ મેળવી લીધી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારા એલિમિનેટરની વિજેતા સામે બીજી ક્વોલિફાઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની અણનમ અડધી સદીની મદદથી 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 132 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. સૂર્યકુમાર યાદવ 54 બોલમાં 10 ચોગ્ગા સાથે 71 રન બનાવી અણનમ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈને ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. રાહુલ ચહરે પોતાના સ્પેલના પ્રથમ બોલ પર ફાફ ડુ પ્લેસિસ (6)ને આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ચોથી ઓવરમાં જયંત યાદવે સુરેશ રૈનાને આઉટ કર્યો હતો. ત્યારબાદ પાવરપ્લેના અંતિમ બોલ પર ક્રુણાલ પંડ્યાએ શેન વોટસન (10)ને આઉટ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. 


ત્યારબાદ એમએસ ધોની અને અંબાતી રાયડૂએ પાંચમી વિકેટ માટે 48 બોલમાં અણનમ 66 રનની ભાગીદારી કરી હતી. ધોની 29 બોલમાં 3 છગ્ગાની મદદથી 37 અને રાયડૂ 37 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન બનાવી અણનમ રહ્યો હતો. 


મુંબઈ તરફથી ક્રુણાલ પંડ્યા અને જયંત યાદવે 1-1 તથા રાહુલ ચહરે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 

આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સીધી ફાઇનલની ટિકિટ મેળવશે. જ્યારે પરાજીત ટીમ એલિમિનિટેરની વિજેતા સામે ટકરાશે. 



ટીમો
ચેન્નઈઃ શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, ઇમરાન તાહિર, હરભજન સિંહ, મુરલી વિજય. 


મુંબઈઃ ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, લસિથ મલિંગા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ.