MI vs RR: મુંબઈ ઈન્ડિયન્સને મળી ધમાકેદાર જીત, રાજસ્થાનને હરાવી પ્લેઓફની આશા રાખી જીવંત
મુંબઈ ઈન્ડિયન્સે બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે.
શારજાહઃ નેથન કુલ્ટર નાઇટ (14 રનમાં ચાર વિકેટ), જિમી નીશમ (12 રનમાં ત્રણ વિકેટ) અને જસપ્રીત બુમરાહ (14 રનમાં બે વિકેટ) ની દમદાર બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2021ની 51મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 90 રન બનાવી શકી હતી. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 94 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ જીત સાથે મુંબઈની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. હવે મુંબઈએ તેની છેલ્લી મેચ હૈદરાબાદ સામે રમવાની છે.
ઈશાન કિશનની ફોર્મમાં વાપસી
આજે રોહિત શર્મા સાથે ઈશાન કિશને ઈનિંગની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહેલ ઈશાન કિશને ફોર્મ પરત મેળવી લીધુ છે. કિશને આજે માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 13 બોલમાં 22 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 13 રન બનાવી મુસ્તફિઝુરની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 5 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ બર્મિંઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં રમશે નહીં ભારતીય હોકી ટીમ, જાણો સંપૂર્ણ વિગત
મુંબઈની બોલિંગ સામે રાજસ્થાનના બેટ્સમેન ફેલ
રાજસ્થાન રોયલ્સને 27 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. યશસ્વી જાયસ્વાત 12 રન બનાવી કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઇવિન લુઇસ (24)ને જસપ્રીત બુમરાહે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સંજૂ સેસમન માત્ર 3 રન બનાવી નીશમનો શિકાર બન્યો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 3 વિકેટે 41 રન બનાવ્યા હતા.
શિવમ દુબે 3 રન બનાવી નીશમની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સને કુલ્ટર નાઇલે બોલ્ડ કરી રાજસ્થાનને પાંચમો ઝટકો આપ્યો હતો. રાહુલ તેવતિયા 12 રન બનાવી નીશમનો શિકાર બન્યો હતો. ગોપાલ (0)ને બુમરાહે આઉટ કરી મુંબઈને સાતમી સફળતા અપાવી હતી. ડેવિડ મિલર 15 રન બનાવી કુલ્ટર નાઇલની ઓવરમાં આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube