મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે પોતાના માટે એક મોટો પ્લાન બનાવ્યો અને તે તરફ મજબૂત રીતે આગળ વધવાનું પણ શરૂ કરી દીધું છે. મુંબઈ ફ્રેન્ચાઈઝી હવે દુનિયાભરની લીગમાં પોતાનું વર્ચસ્વ કાયમ કરવા માગે છે. આ ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ સિવાય વિદેશી લીગમાં પણ બે ટીમ ખરીદી છે. તેને ધ્યાનમાં રાખતાં પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાન અને પૂર્વ શ્રીલંકાઈ કેપ્ટન માહેલા જયવર્ધનેને મોટી જવાબદારી સોંપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ઝહીર-જયવર્ધનેને મળી આ જવાબદારી:
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ ઝહીર ખાનને હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટના પદ પર નિમણૂક કરી છે. જ્યારે જયવર્ધનેને હેડ ઓફ પરફોર્મન્સના પદ પર નિયુક્ત કર્યા છે. એટલે હવે બંને દિગ્ગજોની પાસે ફ્રેન્ચાઈઝીની ત્રણ ટીમની સંપૂર્ણ જવાબદારી રહેશે. જયવર્ધને ત્રણેય ટીમના હવે ગ્લોબલ કોચ રહેશે. એટલે મુંબઈ ઈન્ડિયન્સ સહિતની ત્રણેય ટીમ માટે અલગ-અલગ ત્રણ નવા કોચ નિયુક્ત કરવામાં આવશે. જ્યારે જયવર્ધને ત્રણેય ટીમમાં સંતુલન જાળવી રાખવાની સાથે મુખ્ય કોચની સાથે મળીને કામ કરશે.


ઝહીરની પાસે હશે ટેલેન્ટ શોધવાનું કામ:
ઝહીર ખાનની મુખ્ય જવાબદારી ખેલાડીઓને ડેવલપ કરવાની રહેશે. ઝહીરની પાસે ટેલેન્ટને શોધવા અને પોતાની મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીને મજબૂત કરવાની જવાબદારી રહેશે. પોતાની આ નીતિ માટે મુંબઈ ઈન્ડિયન્સ જાણીતી છે. આ જ કારણ છે કે આ ફ્રેન્ચાઈઝીએ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન જેવા પ્લેયર આપ્યા છે.


એક સેન્ટ્રલ ટીમ બનાવવાના ઉદ્દેશ્યથી કામ કર્યુ:
મુંબઈ ફ્રેન્ચાઈઝીની પાસે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત વિદેશી લીગમાં પણ બે ટીમ છે. આ ટીમ છે MI અમીરાત અને MI કેપટાઉન. અમીરાત ટીમ ઈન્ટરનેશનલ લીગ ટી-20 અને કેપટાઉન સાઉથ આફ્રિકા ટી-20 લીગની ટીમ છે. ફ્રેન્ચાઈઝીની માલિક કંપની ઈન્ડિયાવીન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ છે. ફ્રેન્ચાઈઝીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે ત્રણેય ટીમ માટે એક સેન્ટ્રલ ટીમ બનાવવા માગે છે. તેનાથી ઘણી બધી વસ્તુઓ અને પ્લાનિંગમાં સરળતા રહેશે. ફ્રેન્ચાઈઝીના માલિક MIને ગ્લોબલ રૂપથી વિકસિત કરવા માગે છે. હાલમાં ફ્રેન્ચાઈઝી પાસે ત્રણ ટીમ છે. જે ભવિષ્યમાં વધી પણ શકે છે.


મુંબઈએ સૌથી વધારે 5 વખત IPL ટાઈટલ જીત્યું:
તેની પહેલાં જયવર્ધને મુંબઈ ઈન્ડિયન્સના કોચ છે. જ્યારે ઝહીર ખાન ક્રિકેટ સંચાલન નિર્દેશક રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી આઈપીએલમાં સૌથી વધારે 5 વખત ટાઈટલ જીત્યા છે. મુંબઈ ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ છે. જેણે ચાર વખત આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કર્યુ છે.