વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છે છે કૃણાલ પંડ્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા આ ઓલરાઉન્ડરે કહ્યું કે, તેનું લક્ષ્ય આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજનારા વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા પર છે.
નવી દિલ્હીઃ વડોદરાના ઓલરાઉન્ડર અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર કૃણાલ પંડ્યાની હજુ સુધી સીનિયર ટીમમાં પસંદગી થઈ નથી પરંતુ તેણે પોતાની ઈચ્છા જાહેર કરી છે. કૃણાલની ઈચ્છા વિશ્વકપ 2019માં ટીમમાં સ્થાન મેળવીને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યા સાથે રમવાની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા આ ઓલરાઉન્ડરે કહ્યું કે, તેનું લક્ષ્ય આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજનારા વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા પર છે. કૃણાલનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા ભારત માટે તમામ ફોર્મેટમાં રમે છે.
કૃણાલને હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું પરંતુ તે પર્દાપણ કરી શક્યો ન હતો.
મુંબઈ ઈન્ડિયન્સની વેબસાઇટ પર કૃણાલના હવાલાથી લખવામાં આવ્યું છે, મારૂ લક્ષ્ય ભારત માટે રમવાનું છે. ઈમાનદારીથી કહું તો મારા આગામી લક્ષ્ય ઈંગ્લેન્ડમાં યોજનારા વિશ્વકપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું છે.
આ ઓલરાઉન્ડરે કહ્યું, હું દરેક ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવા પર ધ્યાન આપી રહ્યો છું અથવા તમે કહી શકો કે હું મેચ દર મેચ સારૂ કરવાનો પ્રયત્ન કરુ છું. જો હું સતત સારૂ પ્રદર્શન કરીશ તો જરૂર ત્યાં પહોંચીશ જ્યાં હું પહોંચવા ઈચ્છું છું. મને આશા છે કે જે પ્રકારે હું રમી રહ્યો છું તે રીતે હું મારૂ લક્ષ્ય પ્રાપ્ત કરીશ.
પ્રથમવાર ભારતીય ટીમની સાથે વિતાવેલી ક્ષણો પર કૃણાલે કહ્યું, અમારા બંન્ને માટે આ સપનું સાકાર થવા બરાબર હતું. પ્રથમ ટી-20 મેચમાં મેં અને હાર્દિકે જ્યારે ડ્રેસિંગ રૂમ શેર કર્યો તો તે એક અલગ અનુભવ હતો.