સેઠીએ PCBના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, ઇમરાને અહસાન મનીને આપી જવાબદારી
સેઠને પીસીબી બોર્ડ ઓફ ગવર્નર્સમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2014-2017 સુધી અને ફરી પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ 2017-2020 સુધી નિમણૂક કરી હતી.
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન નજમ સેઠીએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને વડાપ્રધાન ઇમરાન ખાને આઈસીસીના પૂર્વ અધ્યક્ષ અહસાન મનીને તેમની જગ્યાએ નિમણૂક કર્યા છે.
વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું, મેં અહસાન મનીની પીસીબીના પ્રમુખ પદે નિમણૂક કરી છે. તેમની પાસે આ કામ માટે વધારે અને મહત્વની યોગ્યતા છે. તેમણે આઈસીસીમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું, તે ત્રણ વર્ષ સુધી તેના ખજાનચી રહ્યાં અને ત્રણ વર્ષ માટે તેનું નેતૃત્વ પણ કર્યું છે.
સેઠી છેલ્લા ચાર વર્ષથી આ પદ પર કાર્યરત હતા અને દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની થોડી વાપસીનો શ્રેય તેમને પણ આપવામાં આવે છે. સેઠીનું આ રાજીનામું પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનના પદ સંભાળ્યા બાદ આવ્યું છે. સેઠી અને ઇમરાન વચ્ચે સારા સંબંધો નથી તેવું માનવામાં આવે છે.
સેઠીએ ટ્વીટર પર લખ્યું, મેં પીસીબીના ચેરમેન પદેથી રાજીનામું આપવા માટે નવા વડાપ્રધાનના શપથની રાહ જોતો હતો. મેં સોમવારે રાજીનામું આપી દીધું. હું પીસીબીને શુભેચ્છા આપુ છું અને આશા કરૂ છું કે અમારી ક્રિકેટ ટીમ વધુ મજબૂત બનશે.
સેઠીની પીસીબી બોર્ડ ઓફ ગવર્નર્સમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 2014-2017 સુધી અને પછી પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ 2017-2020 સુધી નિમણૂક કરી હતી. તેમમે કહ્યું કે, તેઓ પાકિસ્તાનના નવા વડાપ્રધાનને પાકિસ્તાનના ક્રિકેટ પ્રત્યે તેમના વિઝનને અમલમાં લાવવાનો રસ્તો આપવા માંગે છે.
સેઠીએ પોતાના રાજીનામામાં લખ્યું છે, હું 2017માં બોર્ડના તમામ 10 સભ્યોની સર્વસંમત્તિથી ચેરમેન નિયુક્ત થયો હતો. મારો કાર્યકાળ ત્રણ વર્ષ એટલે કે 2020 સુધી હતો. મને લાગે છે કે હું ક્રિકેટની સેવા કરવામાં સફળ રહ્યો છું.
તેમણે ઇમરાન ખાનની વાતોનો હવાલો આપતા રાજીનામાં પત્રમાં લખ્યું, તમે ઘણી વખત કહ્યું કે તમારી પાસે દેશના ક્રિકેટને લઈને વિઝન છે. તેથી તમે આ નવી જવાબદારીને સંભાળો અને નવા મેનેજમેન્ટને લાવો જેના પર તમને સંપૂર્ણ વિશ્વાસ છે.