નવી દિલ્હીઃ કહેવાય છે કે ક્રિકેટ સૂરમાઓથી ભરેલું પડ્યું છે અને અહીં રેકોર્ડ બને જ તૂટવા માટે છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટી ગયો છે. નામીબિયાના જોન નિકોલ લોફ્ટી-ઈટર્ને ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી દીધો છે. તેણે નેપાળમાં ત્રિકોણીય સિરીઝની ઓપનિંગ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળના કુશલ મલ્લાનો રેકોર્ડ તૂટ્યો
નેપાળ વિરુદ્ધ તેણે 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે નેપાળના કુશલ મલ્લાના રેકોર્ડને એક બોલથી તોડી નાખ્યો હતો. લોફ્ટી-ઈટને પોતાની ઈનિંગમાં 36 બોલ પર 101 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને આઠ સિક્સ સામેલ છે. આ ઈનિંગમાં તેણે 92 રન તો માત્ર બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. આ ટી20 આંતરરાષ્ટ્રીયમાં કોઈ બેટર તરફથી બાઉન્ડ્રી દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. 


કુશલે તોડ્યો હતો રોહિત-મિલરનો રેકોર્ડ
મલ્લાએ હાંગઝોઉ એશિયન ગેમ્સ-2023માં નેપાળ માટે રમતા મંગોલિયા વિરુદ્ધ આ કરનામું કર્યું હતું. તે મેચમાં નેપાળે 3 વિકેટ પર 314 રન બનાવ્યા હતા. આ તે મેચ હતી જેમાં દીપેન્દ્ર સિંહ એરીએ 9 બોલ પર સૌથી ઝડપી ટી20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી હતી. નોંધનીય છે કે ભારતના કેપ્ટન રોહિત શર્મા, ડેવિડ મિલર, સુદેશ વિક્રમસેકરાએ 35-35 બોલમાં સદી બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને કુશલે તોડ્યો હતો. 


જોને 18 બોલમાં પૂરી કરી અડધી સદી
જોનના મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નામીબિયાનો સ્કોર 11મી ઓવરમાં 3 વિકેટ પર 62 રન હતો. તે સમયે લોફ્ટી-ઈટન બેટિંગ કરવા આવ્યો અને તેણે પ્રથમ છ બોલનો સામનો કરતા બે સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો અને 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ચોથી વિકેટ માટે 52 બોલ પર 135 રન જોડી નામીબિયાને 4 વિકેટ પર 206 રન પર પહોંચાડી દીધુ હતું.


ઓપનર ક્રુગર 48 બોલમાં 59 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે 33 બોલમાં સદી ફટકારનાર જોનને બોરહાએ આઉટ કર્યો હતો. બીજીતરફ લોફી-ઈટને બોલિંગમાં પણ કમાલ કર્યો અને ત્રણ ઓવરમાં 29 રન આપી બે વિકેટ લીધી હતી. નેપાળની ટીમ 19મી ઓવરમાં 186 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. નામીબિયાએ મેચ 20 રને જીતી લીધી હતી.