બર્મિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે બપોરે 3.30 કલાકથી બર્મિંઘમના એજબેસ્ટન મેચાન પર રમાશે. યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ વિદેશી પ્રવાસ પર ખરાબ પ્રદર્શનનો થપ્પો દૂર કરવાના ઈરાદાથી ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડનો આ 1000મો ટેસ્ટ હશે પરંતુ ભારતીય ટીમ તેના રંગમાં ભંગ પાડી શકે છે. પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ટીમ ઈન્ડિયાની સામે પાંચમાં નંબરની ટીમ ઈંગ્લેન્ડનો પડકાર છે. 


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચોનો રેકોર્ડ
આંકડાની વાત કરીએ તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી (1932-2016) 117 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 25 મેચ જીતી છે, જ્યારે તેણે 43માં હારનો સામનો કરવો પડ્યો છે. 49 ટેસ્ટ ડ્રો રહી. 


ઈંગ્લેન્ડની ધરતી પર પરિણામની વાત કરીએ તો, અત્યાર સુધી બંન્ને વચ્ચે 57 ટેસ્ટ મેચ રમાઇ છે, જેમાંથી ભારત માત્ર 6માં જીત મેળવી શક્યું, જ્યારે 30માં ઈંગ્લેન્ડે બાજી મારી છે. 21 મેચ ડ્રો રહી છે. 


ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું પ્રદર્શન
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીનું પરિણામ જોઈએ તો ભારતે અંતિમ વખત 2007માં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પર 1-0થી કબજો કર્યો હતો. ત્યારબાદ 2011માં ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 0-4થી ગુમાવી હતી. 2014માં પણ તેને ઈંગ્લેન્ડના હાથે 1-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે શ્રેણી 5 ટેસ્ટ મેચની હતી. 


1932-2014 દરમિયાન ભારતીય ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર 17 ટેસ્ટ શ્રેણી રમી છે. જેમાંથી ત્રણમાં સફળતા (1971, 1986 અને 2007) મળી છે, એક ડ્રો (2002) સિવાય તમામ શ્રેણી ભારતે ગુમાવી છે. 


ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું હાલનું પ્રદર્શન ચિંતાજનક
ઈંગ્લેન્ડનું હાલનું ફોર્મ ચિંતાનો વિષય છે. સપ્ટેમ્બર 2017 બાદ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ નવમાંથી એક જ ટેસ્ટ જીતી છે. છેલ્લી પાંચ ઘરેલૂ ટેસ્ટમાં તેણે વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાનને હરાવ્યું. બંન્ને ટીમોએ બેટિંગમાં જો રૂટ, જોની બેયરસ્ટો અને એલેસ્ટેયર કુક પર તેની વધુ પડતી નિર્ભરતાનો ફાયદો ઉઠાવ્યો. 


ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કરેલી ભૂલથી બચવું પડશે. તે સમયે ટીમ મેનેજમેન્ટે અંજ્કિય રહાણે પર રોહિત શર્માને મહત્વ આપ્યું હતું. આ વખતે કેએલ રાહુલ પસંદગી માટે દાવેદાર છે, પરંતુ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલે રાહ જોવી પડશે. રાહુલે એસેક્સ વિરુદ્ધ 58 અને બીજી ઈનિંગમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે ધવન બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. 


ચેતેશ્વર પૂજારા પણ ફોર્મમાં નથી. તે યોર્કશાયર માટે છ કાઉન્ટી મેચોમાં 172 રન બનાવી શક્યો. અત્યારે બેંગલુરૂમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ માત્ર 35 રન બનાવ્યા. ચેમ્સફોર્ડમાં પ્રેક્ટિસ મેચમાં તેણે 1 અને 23 રન બનાવ્યા. 


બોલિંગમાં આર અશ્વિન અને ઈશાંતની પાસે કાઉન્ટીનો અનુભવ છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય બોલરોની તૈયારી આ વખતે સારી છે. ભારતની સામે દુવિધા અશ્વિન અને બાકીના સ્પિનરો વચ્ચે પસંદગીની હશે. તેવામાં કોહલી એક સ્પિનરને ઉતારશે તો અનુભવના આધાર પર અશ્વિન કુલદીપ અને જાડેજા પર ભારે પડશે. 


હવામાન અને સ્થિતિ
ગરમી બાદ અહીં ઠંડી હવા ચાલી રહી છે. શનિવાર અને મંગળવારે અહીં ભારે વરસાદ થયો છે. કાલે મેચના સમય સુધી મેદાન સુકાવી દેવામાં આવશે પરંતુ પિચ પર નમી બની રહેશે. મેદાનકર્મિઓએ આઉટફીલ્ડ પર ખૂબ પાણી નાખ્યું છે અને વરસાદથી નમી પણ બનેલી છે. 


ઈંગ્લેન્ડ રમશે 1000મી ટેસ્ટ મેચ
ઈંગ્લેન્ડની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં 1000 ટેસ્ટ મેચોનો આંકડોને આંબી જશે. ઈંગ્લેન્ડ ટેસ્ટમાં આ મુકામ સુધી પહોંચનારી પ્રથમ ટીમ છે. અત્યાર સુધી રમાયેલા 999 ટેસ્ટ મેચોમાંથી ઈંગ્લેન્ડે 357 જીત્યા છે જ્યારે 297 મેચમાં તેને હાર મળી છે. તો 345 મેચ ડ્રો રહ્યાં છે. ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1877માં રમી હતી. 


ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કરૂણ નાયર, હાર્દિક પંડ્યા, અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 


ઈંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), એલિસ્ટેયર કુક, કીટોન જેનિંગ્સ, જોની બેયરસ્ટો, જોસ બટલર, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, મોઈન અલી, આદિલ રશીદ, જૈમી પોર્ટર, સૈમ કુરેન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ડ બ્રોડ.