એશિયાડઃ 20 વર્ષના નીરજ ચોપડાએ જકાર્તામાં રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો 8મો ગોલ્ડ
18મી એશિયન ગેમ્સના 9મા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને એથલેટિક્સમાં નીરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો છે. તેણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
જકાર્તાઃ ભારતના સ્ટાર ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ભારતને 8મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગેમ્સના 9માં દિવસે તેણે 88.06 મીટર ભાલો ફેંકીને ઈતિહાસ રચી દીધો છે. એશિયન ગેમ્સમાં આ પહેલા ભારતને ક્યારેય ગોલ્ડ મેડલ મળ્યો નથી. અંતિમવાર 1982 દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે તેણે 86.47 મીટર ભોલો ફેંક્યો હતો.
આ મુકાબલમાં નીરજે જોશ અને તાકાતની સાથે ભાલો ફેંક્યો. પ્રથમવાર તેણે 83.46 મીટર દૂર ભાલો ફેંક્યો. બીજીવાર ફાઉલ થયું હતું. ત્રીજા પ્રયાસમાં તેણે 88.06 મીટર ભાલો ફેંક્યો. ચોથા પ્રયાસમાં 83.25 મીટર અને પાંચમાં પ્રયાસમાં 86.63 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં નીરજે ફાઉલ કર્યું હતું.
એથલેટિક્સમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. લોંગજમ્પ ઈવેન્ટમાં નીના વરક્કલે સિલ્વર મેડલ જીત્યો છે. તેણે 6.51 કૂદીને આ મેડલ પોતાના નામે કર્યો છે.
Asian Games 2018: વિઘ્ન દોડમાં ધરૂણને ચાંદી, સ્ટીપલચેઝમાં સુધાએ જીત્યો સિલ્વર મેડલ
18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે. 8 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝની સાથે ભારત મેડલ ટેલીમાં 9મા સ્થાને છે.