બુલવાયોઃ ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આઈસીસી વનડે વિશ્વકપ-2023 માટે છેલ્લી ટીમ નક્કી થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા ક્વોલીફાયર મુકાબલામાં નેધરલેન્ડે સ્કોટલેન્ડને 4 વિકેટે પરાજય આપી વિશ્વકપ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. આ સાથે વર્લ્ડ કપની ટિકિટ મેળવનાર નેધરલેન્ડ 10મી ટીમ બની ગઈ છે. ઝિમ્બાબ્વેમાં રમાયેલી ક્વોલીફાઈર ટૂર્નામેન્ટમાંથી શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડકપમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. કરો યા મરો મુકાબલામાં નેધરલેન્ડે 42.5 ઓવરમાં 277 રનનો ટાર્ગેટ હાસિલ કરીને સ્કોટલેન્ડને પરાજય આપ્યો છે. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 277 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 ટીમો રમશે વર્લ્ડકપ
ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. યજમાન ભારત સિવાય ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ માટે પહેલા જ પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. તો અન્ય બે ટીમનો નિર્ણય વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા થવાનો હતો. વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા શ્રીલંકા અને નેધરલેન્ડે આ સિદ્ધિ મેળવી છે. 


સ્કોટલેન્ડે આપેલા 278 રનના લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડના ઓપનિંગ બેટરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. વિક્રમજીત સિંહે 49 બોલમાં 40 રન ફટકાર્યા હતા. મેક્સે 34 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ નેધરલેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી, પરંતુ તેણે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


વેસ્લી બર્રેંસીએ 18 બોલમાં 11 રન બનાવ્યા હતા. પરંતુ ડી લીડેએ એક છેડો સાચવી રાખ્યો અને શાનદાર સદી ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. લીડેએ 92 બોલમાં 123 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન એડવર્ડ્સે 23 બોલમાં 25 રન બનાવ્યા હતા.