હેમિલ્ટન ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું, સૌમ્ય-મહુમૂદુલ્લાની સદી બેકાર
સૌમ્ય સરકાર અને મહમૂદુલ્લાહે સદી છતાં બાંગ્લાદેશે ઈનિંગ અને 52 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
હેમિલ્ટનઃ સૌમ્ય સરકાર અને મહમૂદલ્લાહની સદી છતાં ન્યૂઝીલેન્ડે ટ્રેન્ટ બોલ્ટની પાંચ વિકેટની મદદથી બાંગ્લાદેશને પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ઈનિંગ અને 52 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ 8 માર્ચે વેલિંગટનમાં રમાશે.
સૌમ્ય સરકારે 149, જ્યારે કેપ્ટન મહમૂદુલ્લાહ 146 રનની ઈનિંગ રમી અને બંન્નેએ પાંચમી વિકેટ માટે 235 રનની ભાગીદારી પણ કરીપરંતુ તેમ છતાં તેની ટીમ 103 ઓવરોમાં 429 રન પર આઉટ થઈ ગઈ હતી.
બંન્નેએ એક સમયે બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટ પર 361 રન સુધી પહોંચાડી દીધો હતો અને લાગી રહ્યું હતું કે, ટીમ ઈનિંગથી પરાજય બચાવવામાં સફળ રહેશે, પરંતુ સરકારના આઉટ થયા બાદ ટીમ 68 રનની અંદર આઉટ થઈ ગઈ હતી.
સરકારે પોતાની પ્રથમ ટેસ્ટ સદી દરમિયાન 171 બોલનો સામનો કરતા 21 ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. મહમૂદુલ્લા આઉટ થનાર છેલ્લો બેટ્સમેન રહ્યો હતો. તેણે 229 બોલનો સામનો કરતા 21 ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી.
બોલ્ટે 123 રન આપીને પાંચ, જ્યારે ટિમ સાઉદીએ 98 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નીલ વેગનરને બે સફળતા મળી હતી. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઈનિંગમાં 234 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ છ વિકેટ પર 715 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરતા પ્રથમ ઈનિંગના આધારે 481 રનની લીડ મેળવી હતી.