નેલ્સનઃ ન્યૂઝીલેન્ડે નેલ્સનમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાને 115 રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા મેન ઓફ ધ મેચ રોસ ટેલર અને હેનરી નિકોલ્સની સદીની મદદથી 364/4નો વિશાળ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં લંકાની ટીમ 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો જ્યારે યજમાનનો સ્કોર 31/2 થયો ત્યારે નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો, પરંતુ માર્ટિન ગુપ્ટિલ (2) અને કોલિન મુનરો (21) આઉટ થયા બાદ કેપ્ટન કેન વિલિયમસન (55)એ ત્રીજી વિકેટ માટે રોસ ટેલર સાથે 116 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ટેલર અને હેનરી નિકોલ્સ વચ્ચે 154 રનની ભાગીદારી થઈ અને ન્યૂઝીલેન્ડે સિરીઝમાં સતત ત્રીજીવાર 300નો આંકડો પાર કર્યો હતો. ટેલરે 20મી સદી અને સતત છઠ્ઠીવાર 50થી ઉપરનો સ્કોર બનાવ્યો હતો. તેણે 137 રન ફટકાર્યા હતા. હેનરી નિકોલ્સે પોતાના કરિયરની પ્રથમ સદી પૂરી કરી અને 80 બોલમાં 124 રને બનાવી અણનમ રહ્યો હતો. તેણે જેમ્સ નીશમ (12*)ની સાથે પાંચમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી અને ટીમને 360ની પાર લઈ ગયો હતો. શ્રીલંકા તરફથી કેપ્ટન લસિથ મલિંગાએ ત્રણ અને લક્ષણ સંદકનને એક વિકેટ મળી હતી. 



ICC વર્લ્ડ રેન્કિંગ: ચેતેશ્વર પૂજારા ટોપ ત્રણમાં, પંતે કરી ભારતીય રેકોર્ડની બરોબરી 
 


મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને નિરોશન ડિકવેલા (46) અને ધનંજય ડી સિલ્વા (36)એ ટીમને 66 રન જોડીને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ યજમાને વાપસી કરતા 23 ઓવરમાં લંકાનો સ્કોર 143/5 કરી દીધો હતો. બંન્ને ઓપનર સિવાય કુસલ પરેરા 43, કુસલ મેન્ડિસ 0 અને દસૂન શનાકા 2 રન બનાવી આઉટ થયા હતા. 


બીજી વનડેમાં શાનદાર સદી ફટકારનાર થિસારા પરેરાએ ત્યારબાદ ફરી આક્રમક ઈનિંગ રમતા 63 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેણે દનુષ્કા ગુનાતિલકા (31)ની સાથે છઠ્ઠી વિકેટ માટે 101 રન જોડ્યા હતા. પરંતુ 244ના સ્કોર પર તે આઉટ થતા શ્રીલંકાની ટીમ આગામી પાંચ રન જોડીને ઓલઆઉટ થઈ ગઈ હતી. લંકા કુલ 249 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને ચાર, ઇશ સોઢીએ ત્રણ અને ટિમ સાઉદી તથા જેમ્સ નીશમે એક-એક વિકેટ ઝડપી હતી. 



ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પાકિસ્તાનના PM ઇમરાન ખાને કોહલીને આપી શુભેચ્છા 

રોસ ટેલરે ત્રણ મેચોમાં સૌથી વધુ 281 રન બનાવ્યા, તો ઇશ સોઢીએ સૌથી વધુ 8 વિકેટ ઝડપી હતી.