કાર્ડિફઃ આઈસીસી વિશ્વકપ-2019ની સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ટૂર્નામેન્ટમાં વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ માર્ટિન ગુપ્ટિલ (73*) અને કોલિન મુનરો (58*)ની અણનમ અડધી સદીની મદદથી શ્રીલંકાએ આપેલા 137 રનના લક્ષ્યને વિના વિકેટે હાસિલ કરી 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 29.2 ઓવરમાં માત્ર 136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે બંન્ને ઓપનરોની અડધી સદીની મદદથી માત્ર 16.1 ઓવરમાં આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ટિન ગુપ્ટિલે 51 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 73 રન બનાવ્યા હતા. તો મુનરોએ 47 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 58 રન બનાવી અણનમ રહ્યો હતો. 


શ્રીલંકાની ટીમ વિશ્વકપમાં 7મી વખત 150 રનથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વિશ્વકપમાં પાંચમો તેનો ન્યૂનતમ સ્કોર છે. આ મેચમાં તેના તરફથી કેપ્ટન દિમુથ કરૂણારત્ને, કુસલ પરેરા અને થઇસારા પરેરાને છોડીને કોઈપણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. કરૂણારત્ને પોતાની ટીમનો હાઈએસ્ટ સ્કોર રહ્યો હતો. તેણે 84 બોલ પર અણનમ 52 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનર 1-1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા. 


શ્રીલંકાની પ્રથમ ત્રણ વિકેટ હેનરીના ખાતે
શ્રીલંકાની શરૂઆતી ત્રણ વિકેટ (લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા) મેટ હેનરીએ ઝડપી હતી. હેનરીએ પોતાની પાંચમી ઓવરમાં કુસલ મેન્ડિસ (0) અને કુસલ પરેરા (29)ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. તેણે ઈનિંગની બીજી ઓવરમાં લાહિરૂ થિરિમાને (4)ને LBW આઉટ કર્યો હતો. 


મેચની દરેક ઓવરનો રોમાંચ જાણવા માટે ક્લિક કરો


શ્રીલંકાના 8 બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ
લોકી ફર્ગ્યુસને ધનંજય ડિસિલ્વા (4), જીવન મેન્ડિસ (1) અને લસિથ મલિંગા (1)ને પેવેલિયન પરત મોકલ્યા હતા. એન્જેલો મેથ્યૂઝ (0) કોલિન ડિ ગ્રાન્ડહોમના બોલ પર ટોમ લાથમના હાથે કેચ આઉટ થયો. મિશેલ સેન્ટનરના બોલ પર ટ્રેન્ટ બોલ્ટે થિસારા પરેરા (27)ને લોન્ગ ઓન પર ઝડપ્યો હતો. જેમ્સ નીશમના બોલ પર મેટ હેનરીએ ઇસરૂ ઉડાના (0)નો કેચ ઝડપ્યો હતો. બોલ્ટે સુરંગા લકમલ (7)ને સેન્ટનરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.