ક્રિકેટ : ટી20 વર્લ્ડ કપ સુધી હશે ભારતના નવા કોચનો કોન્ટ્રાક્ટ
ભારતીય કોચની પસંદગી કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ક્રિકેટ સલાહકાર સમિતીએ કરવાની છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કોચ કોણ હશે એ વાતનો નિર્ણય 16 ઓગસ્ટે થઈ જશે. કપિલ દેવ (Kapil Dev), અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ટીમ આ પદ માટે શુક્રવારે 6 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. ટીમ ઇન્ડિયાના (Team India)ના મુખ્ય કોચ માટે મુંબઇ ખાતે આવેલી બીસીસીઆઇની ઓફિસમાં ઇન્ટરવ્યૂ થવાના છે. નવા કોચનો કાર્યકાળ 2021માં થનારા ટી20 વિશ્વકપ સુધીનો હશે. નવા કોચની ઘોષણા સાંજે સાત વાગ્યે થવાની છે.
બીસીસીઆઇના (BCCI) અધિકારીએ માહિતી આપી છે કે નવા કોચનો કાર્યકાળ 2021માં યોજાનારા ટી20 વિશ્વકપ સુધી જ રહેશે. ટીમના નવા કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પણ એટલો જ રહેશે. આ વિશે વિશેષ માહિતી આપતા આ કાર્યકાળ પછી ફરીથી કોચની પસંદગી પ્રક્રિયા શરૂ થશે.
ટીમ ઇન્ડિયાના કોચના પદ માટેની દોડમાં પ્રવર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નો પક્ષ સૌથી વધુ મજબુત છે. આ સિવાય આ પદ માટેના દાવેદારોમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસન, શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મુડી, વેસ્ટ ઇન્ડિઝ તેમજ અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સિમંસ, ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહ તેમજ ભારતના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ શામેલ છે.