કોલંબોઃ ભારત વિરુદ્ધ નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં ભલે બાંગ્લાદેશ હારી ગયું હોય પરંતુ ટીમના કેપ્ટન શાકિબ અલ-હસનનું માનવું છે કે તે ટીમના પ્રદર્શનથી ખુશ છે. શાકિબે કહ્યું તેને ફાઇનલમાં ટીમના ખેલાડીઓની બોલિંગ અને ફિલ્ડિંગ પર ગર્વ છે. બાંગ્લાદેશે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતને 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગના દમ પર હાંસિલ કર્યો અને બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમને અંતિમ બોલે પાંચ રનની જરૂર હતી અને તેવામાં શાકિબે અંતિમ બોલે સૌન્ય સરકારને શાંત રહીને બોલ ફેંકતા પહેલા પુરો સમય લેવાની સલાહ આપી. આ બોલ પર દિનેશે સિક્સ મારતાની સાથે બાંગ્લાદેશની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. 


શાકિબે મેચ બાદ કહ્યું, મેં સરકારને કંઇ ખાસ ન કહ્યું. બોલરને વધુ સમજાવવો યોગ્ય નથી. મેં તેને આરામથી સમય લેવાનું કહ્યું. ક્યારેક તમે બોલ ફેંકવા દરમિયાન લય ખોઇ બેસો છો અને તેનાથી નુકશાન થાય છે. તેણે ત્રણ ઓવરમાં સારી બોલિંગ કરી હતી. 


કેપ્ટન શાકિબે કહ્યું, હું આ હાર માટે કોઈને જવાબદાર ઠેરવતો નથી. અમારી બે ઓવર ખરાબ હતી. હું કોઈને દોષ ન આપી શકુ. મને ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ પર ગર્વ છે. 


ભારતની બાંગ્લાદેશ પર ટી20માં આ સતત આઠમી જીત છે.