ઈજા બાદ વાપસી કરવા પર કોઈએ મારી સાથે વાત કરી નથીઃ શાર્દુલ ઠાકુર
મહત્વનું છે કે, શાર્દુલ ઠાકુરને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત માટે ટેસ્ટમાં પર્દાપણ કરવાની તક મળી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ ટેસ્ટ દરમિયાન ઠાકુર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
નવી દિલ્હીઃ ભારત માટે હાલમાં ટેસ્ટ પર્દાપણ કરનાર શાર્દુલ ઠાકુર કમરની ઈજામાંથી વાપસી કરતા મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, ઈજામાંથી પરત ફર્યા બાદ રાષ્ટ્રીય પસંદગી સમિતિના કોઈ સભ્યએ મારી સાથે વાત કરી નથી. મને કેમ છે તે જોવા માટે પણ કોઈ આવ્યું નથી. ત્યારબાદ બીસીસીઆઈ તરફથી નિવેદન આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના સૂત્રએ ઠાકુરના નિવેદન પર કહ્યું કે, તે વાપસી માટે તૈયાર હતો ત્યારથી તેની સાથે વાત કરવામાં આવી રહી હતી. તેને કહેવામાં આવ્યું કે, ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત એ તરફથી સીમિત ઓવર અને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તૈયાર રહે.
રણજી ટ્રોફીમાં મુંબઈ માટે વિદર્ભ વિરુદ્ધ મેચથી તેણે મેદાન પર વાપસી કરતા શાનદાર બોલિંગ કરી છે. તેણે કહ્યું કે, મેં બીજા દિવસે સુધાર કર્યો, પ્રથમ દિવસ મુશ્કેલ રહ્યો હતો. બોલિંગ વિશે ઠાકુરે કહ્યું કે, તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
મહત્વનું છે કે, શાર્દુલ ઠાકુરને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત માટે ટેસ્ટમાં પર્દાપણ કરવાની તક મળી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ ટેસ્ટ દરમિયાન ઠાકુર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને મેચમાંથી બહાર થયો હતો. તે બે મહિના ક્રિકેટથી દૂર હતો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ તે બહાર રહ્યો અને હવે રણજી ટ્રોફીથી તે મેદાન પર પરત ફર્યો છે. હવે તે જોવાનું રહ્યું કે, શાર્દુલ ઠાકુરની ભારતીય ટીમમાં વાપસી ક્યારે થાય છે. હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.