નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણીમાં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ એક ઓગસ્ટથી રમાશે પરંતુ આ પહેલા પ્રેક્ટિસ મેચમાં ભારતના બેટ્સમેન અને બોલરોએ દેખાડી દીધું કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના મુશ્કેલ પડકાર માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શનથી પ્રેક્ટિસ મેચ ડ્રો રહ્યો પરંતુ ટીમની કેટલિક નબળાઇઓ ખુલીને સામે આવી છે. 


વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના પાંચ બેટ્સમેનોએ પ્રેક્ટિસમાં મેચમાં અર્ધસદી ફટકારી અને બોલિંગમાં ઉમેશ યાદવે પોતાનો દમ દેખાડ્યો પરંતુ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને મીડલઓર્ડર બેટ્સમેન પૂજારા ફ્લોપ રહ્યાં. 


કેપ્ટન વિરાટ કોહલી માટે સૌથી મોટો પડકાર ઓપનિંગ બેટ્સમેનને લઈને છે. ટીમ ઈન્ડિયાના સ્થાપિત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પ્રેક્ટિસ મેચમાં નિષ્ફળ રહ્યો. ધવન બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો. તેવામાં મુરલી વિજયની સાથે કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. 


પ્રેક્ટિસ મેચમાં વિજયે 53 રનની ઈનિંગ રમીને પોતાનું ફોર્મ સાબિત કર્યું છે જ્યારે પ્રથમ ઈનિંગમાં 58 અને બીજી ઈનિંગમાં 36 રન બનાવીને કેએલ રાહુલે પણ પોતાનો દાવો રજૂ કર્યો છે. શિખર ધવનના આ ખરાબ ફોર્મને જોતા કેપ્ટન કોહલી પાસે રાહુલને ઓપનિંગ કરાવવાનો વિકલ્પ છે. 


બીજીતરફ મીડલઓર્ડરમાં ચેતેશ્વર પૂજારા કોહલી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. લાંબા સમયથી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી રમી રહેલા પૂજારા પ્રેક્ટિસ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો જ્યારે બીજી ઈનિંગમાં 23 રન બનાવ્યા હતા. 


ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડનો મોટો પડકાર મળવાનો છે. તેવામાં શ્રેણી શરૂ થતા પહેલા વિરાટ ઈચ્છશે કે કોઇપણ મુશ્કેલી વગર મેદાન પર ઉતરે. 


ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય સ્પિન બોલર અશ્વિન અને જાડેજા પ્રેક્ટિસ મેચમાં નબડા રહ્યાં. અશ્વિન અને જાડેજાની બોલિંગ સામે બીજા દરજ્જાની ઈંગ્લેન્ડ ક્રિકેટ કાઉન્ટી એસેક્સને કોઇ મુશ્કેલી ન પડી. બંન્ને ખેલાડીઓએ મેચમાં વધુ બોલિંગ પણ ન કરી. 


સ્પિન બોલિંગની તુલનામાં ફાસ્ય બોલરોએ પોતાનું પ્રદર્શન કર્યું. ભારત તરફથી ઉમેદ યાદવ સૌથી સફળ બોલર રહ્યો અને 18 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ ઝડપી. ઈશાંત શર્માને ત્રણ વિકેટ મળી. 


ભારતીય ટીમમાં વાપસી કરનાર મોહમ્મદ શમી પ્રેક્ટિસ મેચમાં મોંઘો સાબિત થયો. શમીએ 21 ઓવરમાં 68 રન આપી દીધા હતા.